ઓઇલ મુદ્દે સહકાર નહીં અપાય તો ભારત પર ટેરિફ વધારાશેઃ ટ્રંપની ધમકી

નવી દિલ્હીઃ જો રશિયન તેલને મુદ્દે ભારત સહકાર નહીં આપે તો અમેરિકા ભારતમાંથી આવતા માલ પર ટેરિફ વધારે એવી શક્યતા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે જાહેર ભાષણ દરમિયાન આ વાત કહી હતી. ટ્રંપે ફરી એક વાર સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ ઈચ્છે છે કે ભારત રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરે. ટ્રંપે આ ચેતવણીને ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વાતચીત સાથે જોડીને કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે તેઓ ખરેખર મને ખુશ કરવા માગતા હતા. વડા પ્રધાન મોદી ખૂબ જ સારા માણસ છે. તેઓ સારી વ્યક્તિ છે. તેમને ખબર હતી કે હું ખુશ નહોતો. મને ખુશ કરવું જરૂરી હતું. તેઓ ટ્રેડ કરે છે અને અમે તેમના પર ખૂબ જ ઝડપથી ટેરિફ વધારી શકીએ છીએ.

ટ્રંપ તરફથી આવેલી આ ટિપ્પણીઓ રશિયા સાથે ભારતના ઊર્જા સંબંધોને લઈને તણાવને ફરી એક વાર વધારી રહી છે. થોડા મહિના પહેલાં ટ્રંપે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાતરી આપી હતી કે ભારત રશિયન તેલ ખરીદવાનું બંધ કરી દેશે, પરંતુ ભારતે આ દાવાને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે ટ્રંપ અને મોદી વચ્ચે આવી કોઈ વાતચીત થઈ નથી.

રશિયન તેલની ભારે ખરીદી માટે સજા તરીકે અમેરિકા ગયા વર્ષે ભારતીય માલના આયાત પર ટેરિફ બમણા કરીને 50 ટકા કરી દીધા હતા. બંને દેશ હાલમાં એક સંભવિત ટ્રેડ ડીલ પર ચર્ચા કરી રહ્યા છે, પરંતુ હજી સુધી કોઈ અંતિમ સમજૂતી થઈ નથી.

વર્ષ 2022માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ ભારત ડિસ્કાઉન્ટેડ રશિયન સમુદ્રી કાચા તેલનો સૌથી મોટો ખરીદદાર બની ગયો. જોકે પશ્ચિમી દેશો તેનો વિરોધ કરે છે. તેમણે રશિયાના ઊર્જા ક્ષેત્ર પર પ્રતિબંધો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે તેલમાંથી મળતી આવક રશિયાના યુદ્ધ પ્રયાસોને નાણાકીય મદદ પૂરી પાડે છે.