નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ યુદ્ધને કારણે ગંભીર ઊર્જા સંકટ ઊભું થયું છે, જે ભારત માટે ચિંતાનો વિષય છે. તેને કારણે વેપાર પર અસર પડી રહી છે અને પેટ્રોલ, ડીઝલ, ગેસ તથા ખાતરની નિયમિત સપ્લાય પ્રભાવિત થઈ રહી છે. મધ્ય-પૂર્વમાં લગભગ એક કરોડ ભારતીયો રહે છે અને તેમની રોજગાર સુરક્ષા ભારત માટે મહત્વપૂર્ણ ચિંતા છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝ વિસ્તારમાં મોટી સંખ્યામાં ભારતીયો ફસાયેલા છે. આવા સંકટના સમયમાં ભારતીય સંસદમાંથી શાંતિ અને સંવાદનો એકતાભર્યો સંદેશ વિશ્વ સુધી પહોંચવો જરૂરી છે. ખાતરની સપ્લાય માટે સરકારે તૈયારીઓ કરી છે અને ખેડૂતોને ખાતરની કોઈ અછત ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
3.75 લાખથી વધુ ભારતીયોની વતન વાપસી
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખુલ્લું રહે અને જહાજોની મુક્ત અવરજવર ચાલુ રહે એ માટે પણ ચર્ચા કરવામાં આવી છે. સંકટમાં દેશ-વિદેશમાં રહેલા ભારતીયોની સુરક્ષા ભારતની પ્રતિબદ્ધતા છે. યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધી 3.75 લાખથી વધુ ભારતીયો વતન પરત ફર્યા છે. ઇરાનમાંથી 1000થી વધુ ભારતીયો આવ્યા છે, જેમાંથી 700 મેડિકલ વિદ્યાર્થીઓ છે.
Speaking in the Rajya Sabha. https://t.co/NAcbZLZq7P
— Narendra Modi (@narendramodi) March 24, 2026
જ્યાંથી શક્ય ત્યાંથી ઓઇલ અને ગેસની આયાત
રાજ્યસભામાં વડા પ્રધાને કહ્યું હતું કે તમામ દેશોએ ભારતીયોની સુરક્ષાનો વિશ્વાસ આપ્યો છે. કેટલાક ભારતીયોનાં મોત થયાં છે અને કેટલાક ઘાયલ થયા છે. પીડિત પરિવારોને મદદ આપવામાં આવી રહી છે અને ઘાયલોની સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે.

હવે 41 દેશોથી ઊર્જા આયાત
વડા પ્રધાને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં વિશ્વના અનેક દેશોમાંથી ક્રૂડ ઓઇલ અને એલપીજી ભરેલાં જહાજો ભારતમાં પહોંચ્યાં છે અને આ પ્રયાસો આગળ પણ ચાલુ રહેશે. ગેસ, ઓઇલ અને ખાતર સંબંધિત જહાજો સતત ભારતમાં પહોંચે એ માટે સરકાર કાર્યરત છે. જો આ સંકટ લાંબો સમય ચાલશે તો તેનાં ગંભીર પરિણામો આવી શકે છે. દેશ દરેક પડકારનો સામનો કરી શકે એ માટે અનેક પગલાં લેવામાં આવ્યાં છે. અગાઉ એલએનજી અને પીએનજી 27 દેશોમાંથી આયાત કરવામાં આવતી હતી, જ્યારે હવે 41 દેશોમાંથી ઊર્જા આયાત કરવામાં આવી રહી છે. એક જ ઊર્જા સ્ત્રોત પર નિર્ભરતા ન રહે તે માટે ક્રૂડ ઓઇલના ભંડાર વધારવા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.




