ચૂંટણીમાં છેતરપિંડી થઈ તો બિહાર બનશે બીજું નેપાળ કે બાંગ્લાદેશ?

પટનાઃ બિહારમાં મતદાન બાદ બહાર આવેલા એક્ઝિટ પોલમાં મોટા ભાગે ફરી NDAની સરકાર બનશે એવું અનુમાન વ્યક્ત થયું છે. હાલ સુધી આવેલા એક્ઝિટ પોલના આંકડાઓને NDAમાં સામેલ પક્ષોના નેતાઓએ ખુલ્લેઆમ સ્વાગત કર્યું છે, જ્યારે RJD અને કોંગ્રેસના નેતાઓએ આ એક્ઝિટ પોલને નકારી કાઢ્યા છે. મહાગઠબંધનના નેતાઓએ જણાવ્યું હતું કે બિહારમાં તેજસ્વી યાદવના નેતૃત્વમાં સરકાર બનશે.

એ દરમિયાન RJDના MLCના વિવાદિત નિવેદનને કારણે તેમના વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. RJD MLC સુનીલ સિંહે કહ્યું હતું કે જો ચૂંટણીમાં છેતરપિંડી થશે તો બિહાર બીજું નેપાળ કે બાંગ્લાદેશ બની જશે. ત્યાર બાદ પટના પોલીસે તેમના વિરુદ્ધ FIR દાખલ કરી છે.

સુનીલ સિંહે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે 2020માં ચાર-ચાર કલાક મતગણતરી અટકાવી દેવામાં આવી હતી. જો એવું થયું તો આખી જનતા રસ્તા પર આવી જશે અને એ દૃશ્ય જોવા મળશે જે નેપાળમાં જોવા મળ્યું હતું. ત્યાર બાદ અમે લોકો રસ્તા પર ઊતરી જઈશું. નહીં તો જેમ નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં સત્તા વિરુદ્ધ લહેર ઊઠી હતી, એવી જ સ્થિતિ અહીં પણ બનશે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવી મુશ્કેલ બનશે. તેમણે કહ્યું હતું કે સરકારમાં સામેલ લોકો ગેરરીતિ આચરી શકે છે. આ વખતે આવું કર્યું તો ભારે પડશે.

તેમણે એક્ઝિટ પોલ પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે મતદાતાઓ હજુ લાઇનમાં મત આપવા ઊભા હતા અને એક્ઝિટ પોલ આવી ગયા. 4.98 કરોડ લોકોએ મત આપ્યો, છતાં RJDને 50થી ઓછી બેઠકો કેવી રીતે મળી રહી છે? સુનીલ સિંહે કહ્યું કે બિહારના લોકો આશ્ચર્યમાં છે — મત ગઠબંધનને મળ્યા, તો જીત NDAને કેવી રીતે મળી રહી છે? તેમણે એક્ઝિટ પોલને ષડયંત્રને ગણાવ્યું અને મતગણતરીને લઈને પણ કાવતરાની શંકા વ્યક્ત કરી.

સુનીલ સિંહના આ નિવેદન પર બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલે પ્રતિક્રિયા આપી છે. તેમણે બિહારમાં કાયદાનું રાજ હોવાનું જણાવ્યું. દિલીપ જયસ્વાલે કહ્યું કે હવે અહીં ગુન્ડારાજવાળી સરકાર નથી. RJDના લોકો હારની હતાશામાં છે અને જનતા તથા મતદાતાનો અપમાન કરી રહ્યા છે.