પનામા: શહેરમાં યોજાયેલી ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA)ની મહાસભા દરમિયાન યોજાયેલી ચૂંટણીમાં ભારતીય સહકારી આંદોલનને મોટી વૈશ્વિક સિદ્ધિ સાંપડી છે.
IFFCO અને GUJCOMASOLના અધ્યક્ષ દિલીપ સંઘાણી ICAના ગ્લોબલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ત્રીજા ક્રમે વિજય મેળવી ‘ડિરેક્ટર (At-Large Director)’ તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ જીત આંતરરાષ્ટ્રીય સહકારી ક્ષેત્રે ભારતની વધતી પ્રતિષ્ઠા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના વિઝનની વૈશ્વિક સ્વીકૃતિ દર્શાવે છે.
ચૂંટણી પરિણામો જાહેર થતાં જ પનામા ખાતે હાજર ભારતીય પ્રતિનિધિમંડળે “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના નારાઓ સાથે વિજયની ભવ્ય ઉજવણી કરી હતી.
પોતાની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ વૈશ્વિક સહકારી સમુદાયનો આભાર માનતા દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, તેઓ ભારતીય સહકારી મોડેલ, અનુભવ અને દૃષ્ટિકોણને વૈશ્વિક મંચ પર વધુ અસરકારક રીતે રજૂ કરવા તથા વિશ્વભરમાં સહકારિતાને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.




