IFFIમાં ‘શોલે’ નું સ્ક્રીનિંગ રદ, સમાપન સમારોહમાં ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ અપાશે

ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) માં ફિલ્મ “શોલે” નું સ્ક્રીનિંગ રદ કરવામાં આવ્યું છે. ફેસ્ટિવલના અંતિમ દિવસે અભિનેતા ધર્મેન્દ્રને ખાસ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ (NFDC) ના મેનેજિંગ ડિરેક્ટર પ્રકાશ મગદુમે પીટીઆઈને જણાવ્યું હતું કે, “અમે ફિલ્મ ફેસ્ટિવલના સમાપન સમારોહમાં અમારા પ્રિય અને સુપ્રસિદ્ધ અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપીશું. સોમવારે અમને ધરમજીના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. ફિલ્મ બજારના સમાપન સમારોહમાં માનના ચિહ્ન તરીકે એક મિનિટનું મૌન પાળવામાં આવશે.”

“શોલે” નું સ્ક્રીનિંગ કેમ રદ કરવામાં આવ્યું?

“શોલે” નું 4K રિસ્ટોર કરેલું વર્ઝન આજે, 26 નવેમ્બરના રોજ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં પ્રદર્શિત થવાનું હતું. જોકે, ટેકનિકલ કારણોસર આયોજકોએ તેને રદ કર્યું છે. આ ફેસ્ટિવલમાં 27 નવેમ્બરના રોજ એક સત્ર પણ યોજાશે. ફિલ્મે થોડા મહિના પહેલા તેની સુવર્ણ જયંતિ ઉજવી હતી. ફિલ્મના દિગ્દર્શક રમેશ સિપ્પી આ સત્રમાં હાજર રહેશે

‘શોલે’ ફિલ્મનું સ્ક્રીનિંગ રદ કરવામાં આવ્યું હોવા છતાં, ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવે ધર્મેન્દ્રને એક અનોખી રીતે યાદ કર્યા છે. ‘શોલે’ ફિલ્મમાં ધર્મેન્દ્ર દ્વારા ચલાવવામાં આવેલી મોટરસાઇકલને આ ફિલ્મ મહોત્સવમાં સામેલ કરવામાં આવી છે. તેમણે ફિલ્મમાં વીરુનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મ મહોત્સવમાં આ બાઇક જોઈને ઘણા લોકો પ્રભાવિત થયા હતા.