ગાંધીનગર: નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ખાતે ‘Ignite 2025’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ સેલ (EDC)એ SSIP Cell, NFSUના સહયોગથી તા.20 અને 21 ઓગસ્ટના રોજ આ આયોજન કર્યું. “વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસ” નિમિત્તે યોજાયેલા આ બે દિવસીય કાર્યક્રમમાં 500થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં ચાર સ્પર્ધાઓ યોજાઈ હતી. જે અંતર્ગત StockCraftમાં વિદ્યાર્થીઓએ મોક સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ અને રોકાણની હકીકત જેવી અનુભૂતિ મેળવી. StratEdgeમાં ભાગ લેનારોએ સસ્ટેનેબિલિટી સંબંધિત કેસ સ્ટડી ઉકેલી પોતાની વિશ્લેષણાત્મક ક્ષમતા દેખાડી. IP-Pitchમાં વિદ્યાર્થીઓએ પોતાના સ્ટાર્ટઅપ આઈડિયા રજૂ કર્યા. જેમાં નિષ્ણાતોના માર્ગદર્શન સાથે 2 લાખ રૂપિયા સુધીનું ફંડિંગ જીતવાની તક મળી અને ReelRevમાં વિદ્યાર્થીઓએ ઇન્સ્ટાગ્રામ રીલ્સ દ્વારા સર્જનાત્મકતા અને માર્કેટિંગ ટેલેન્ટનું પ્રદર્શન કર્યું.

આ પ્રસંગે કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) એસ. ઓ. જુનારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જ ફાઈનાન્સ અને ઇન્ક્યુબેશન નિષ્ણાત ડૉ. મયંક પટેલ, CFA તેમજ IP-Pitchના જજ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. NFSUમાં વિકસી રહેલી ઉદ્યોગસાહસિકતા અને ઇનોવેશનની સંસ્કૃતિએ વિદ્યાર્થીઓમાં એક નવો ઉત્સાહ જગાવ્યો હતો. એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ સેલ (EDC) મેન્ટોરશિપ પ્રોગ્રામ, ઉદ્યોગ સહકાર તથા નવી જર્નલ પણ ટૂંક સમયમાં શરૂ કરશે.


