અમદાવાદ: ભારત સરકારના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અભિયાન અંતર્ગત આયોજિત ‘યુવા સંગમ ફેઝ-VI’ કાર્યક્રમ યોજાય છે. જેના માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) નોડલ સંસ્થા તરીકે સેવા આપી રહ્યું છે. આ અંતર્ગત IIMA કેમ્પસ ખાતે ઓડિશાના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા 41 યુવાનોના જૂથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ ટીમ 1 થી 6 જૂન, 2026 દરમિયાન ગુજરાતની ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ઔદ્યોગિક પ્રગતિનો પ્રત્યક્ષ અનુભવ મેળવશે.
IIM-Aના ડાયરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કરે યુવાનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં ‘યુવા સંગમ’ કાર્યક્રમ યુવાનોને પરસ્પર સંસ્કૃતિ અને વિકાસને સમજવા માટે એક સેતુ સમાન છે.
ગુજરાત પ્રવાસ દરમિયાન આ સ્થળોની મુલાકાત લેવાશે
ગાંધી આશ્રમ, અડાલજની વાવ, અને અમદાવાદનો હેરિટેજ વિસ્તાર (ઓલ્ડ સિટી)
સાયન્સ સિટી, ગિફ્ટ સિટી (GIFT City) અને અમૂલ ડેરી (આણંદ)
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ખાસ સંવાદ અને ગુજરાતી ભોજનનો આસ્વાદ
આ પહેલાં, ગત સપ્તાહે (25 થી 30 મે દરમિયાન) IIM-A દ્વારા ગુજરાતના 39 યુવાનોની ટીમને ઓડિશાના પ્રવાસે મોકલવામાં આવ્યા હતા. જ્યાં NIT રાઉરકેલા દ્વારા તેમનું યજમાનપદ કરવામાં આવ્યું હતું. આ છ દિવસીય પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રવાસન, પરંપરા, પ્રગતિ, પરસ્પર સંપર્ક અને ટેકનોલોજીના માધ્યમથી રાષ્ટ્રીય એકતા મજબૂત કરવાનો છે.






