IIT હૈદરાબાદે રચ્યો ઇતિહાસઃ ડ્રાઈવરલેસ ઇલેક્ટ્રિક બસ લોન્ચ

હૈદરાબાદઃ સામાન્ય રીતે તમે બસમાં મુસાફરી કરતા હો ત્યારે તે બસ ડ્રાઈવર ચલાવે છે અને પોતાની રીતે સ્પીડ ઓછી-વત્તી કરે છે કે બ્રેક લગાવે છે, પરંતુ કલ્પના કરો કે તમે ક્યાંક જઈ રહ્યા છો અને તમને એવી બસ મળે કે જે ડ્રાઈવર વગર ચાલે – કદાચ એ બસમાં બેસવા વિશે તમે વિચારતા પણ નહીં હો, પરંતુ આવો કમાલ IIT હૈદરાબાદે કરી બતાવ્યો છે.

દેશની પહેલી AI-પાવર્ડ ડ્રાઈવરલેસ ઇલેક્ટ્રિક બસ IIT હૈદરાબાદ દ્વારા રજૂ કરવામાં આવી છે. આ ઓટોનોમસ શટલ્સને ટેક્નોલોજી ઇનોવેશન હબ ઓન ઓટોનોમસ નેવિગેશન (TiHAN) દ્વારા વિકસાવવામાં આવી છે. દેશના સ્માર્ટ અને ટકાઉ પરિવહનની દિશામાં આ એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. પ્રોફેસર પી. રાજલક્ષ્મીના નેતૃત્વ હેઠળની ટીમે અત્યાર સુધી આ બસમાં 10,000થી વધુ મુસાફરોને મુસાફરી કરાવી છે અને લગભગ 90 ટકા સંતોષ દર હાંસલ કર્યો છે.

કેવી રીતે કામ કરે છે આ બસો?

ડ્રાઈવરલેસ શટલ્સ હાલ બે વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે – પહેલી 6-સીટર અને બીજી 14-સીટર ઇલેક્ટ્રિક મોડલ. તેમાં અદ્યતન ફીચર્સ આપવામાં આવ્યા છે, જેમ કે

Autonomous Emergency Braking (AEB): અચાનક સામે આવતી અડચણોને ઓળખીને તરત જ બ્રેક લગાવે છે. Adaptive Cruise Control (ACC): સલામત અંતર જાળવીને ટ્રાફિક અનુસાર સ્પીડ એડજસ્ટ કરે છે.

આ સ્માર્ટ બસો ડ્રાઈવર વગર પણ મુશ્કેલ રસ્તાઓ પર સરળતાથી ચાલી શકે છે અને રિયલ-ટાઈમમાં અવરોધોને ઓળખીને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. સૌથી મોટી સિદ્ધિ એ છે કે આ ટેક્નોલોજીએ Technology Readiness Level 9 (TRL-9) હાંસલ કરી લીધું છે, જે સાબિત કરે છે કે ભારતીય રસ્તાઓ પર વાસ્તવિક પરિસ્થિતિમાં પણ આ સંપૂર્ણ રીતે અસરકારક અને વિશ્વસનીય છે.