જાપાન સાથે ગાઢ સંબંધ બનાવવા માટે ખાસ સ્નેહમિલનનું આયોજન

અમદાવાદ: ગુજરાતના ઇન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન(IJFA)ની સુવર્ણ જયંતિ હાલમાં ઉજવાય રહી છે. જેના ભાગરૂપે મુકેશ પટેલના નેતૃત્વમાં ગુજરાતનું ૨૨ સભ્યોનું ગુડવીલ ડેલિગેશન જાપાનના પ્રવાસે પહોંચ્યું છે. મુકેશ પટેલ જાપાનના અમદાવાદ ખાતેના માનદ કોન્સલ અને IJFA ગુજરાતના પ્રમુખ છે. જાપાનના પ્રવાસે AMAના પ્રમુખ ડો. સાવન ગોડીયાવાલા અને ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગના મુખ્ય સચિવ મમતા વર્મા પણ પહોંચ્યા છે. આ ડેલિગેશને હ્યોગો પ્રાંતના ગવર્નર મોતોહિકો સાઈતો અને કોબેના મેયર કિઝો હિસામોટો અને કોબે સિટી કાઉન્સિલના અધિકારીઓની શુભેરછા મુલાકાત લીધી હતી. હ્યોગો પ્રાંતના ગવર્નર મોતોહિકો સાઈતોએ ગુજરાત અને હ્યોગો પ્રાંત વચ્ચેના મજબૂત નવ વર્ષના ગાઢ સિસ્ટર-સ્ટેટ સંબંધોની નોંધ લીધી હતી અને ઉપલબ્ધિઓની પ્રશંસા કરી હતી.

કોબેના મેયર કિઝો હિસામોટોએ જાન્યુઆરી ૨૦૨૦માં અમદાવાદની તેમની મુલાકાત યાદ કરી હતી અને અમદાવાદ અને કોબે વચ્ચેના સિસ્ટર-સિટી સંબંધોને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ અમદાવાદમાં થયેલી ગોઝારી વિમાન દુર્ઘટનાને યાદ કરતાં અકસ્માતમાં જીવ ગુમાવનારા પીડિતોને શ્રદ્ધાંજલિ આપી હતી.

ઓસાકા-કોબેના કોન્સ્યુલ જનરલ ચંદ્રુ અપ્પારે જણાવ્યું કે હ્યોગો, કોબે અને અમદાવાદ વચ્ચેની મિત્રતા “સુવર્ણ યુગ”માં પ્રવેશી છે અને હાલમાં માનવ સંસાધન અને કર્મચારી વિનિમય પર કેન્દ્રિત છે.જાપાનના અમદાવાદ ખાતેના માનદ કોન્સલ અને IJFA ગુજરાતના પ્રમુખ મુકેશ પટેલે ગુજરાત-જાપાન મિશનને “સંસ્કૃતિઓને સાથે લાવવી, હૃદયોને જોડવા” તરીકે વ્યક્ત કર્યુ હતું અને તેમણે શિક્ષણ, વ્યવસાય અને સંસ્કૃતિમાં સંબંધોને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધતા ફરીથી વ્યક્ત કરી હતી.

ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગના મુખ્ય સચિવ મમતા વર્માએ સિસ્ટર-સ્ટેટ અને સિસ્ટર-સિટી સંબંધોને “ભવિષ્યના સંબંધો માટે એક રોલ મોડેલ” ગણાવ્યા હતાં. તેમણે ગવર્નર અને મેયર, તેમજ તેમના અધિકારીઓને ૨૦૨૫માં પ્રાદેશિક વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું હતું.