અમદાવાદ: વરસાદની રાહ જોતાં ખેડૂતો માટે સારા સમાચાર છે. ગુજરાતમાં આગામી સાત દિવસમાં હવામાનમાં મોટા ફેરફારની શક્યતા છે, જેમાં 29 જૂનથી 5 જુલાઈ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે યલો અને ઓરેન્જ વોર્નિંગ જાહેર કરી છે.

દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ, સૌરાષ્ટ્રમાં યેલો એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 29 જૂનથી 5 જુલાઈ વચ્ચે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ગર્જના સાથે વીજળી પડવાની શક્યતા સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 2 જુલાઈથી 5 જુલાઈ સુધી ભારે અને ખૂબ ભારે વરસાદની સંભાવના છે. આ માટે ઓરેન્જ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. તટીય વિસ્તારોમાં પવનની ઝડપ 15થી 20 નોટ અને ઝોકા 25 નોટ સુધી પહોંચી શકે છે.
ગુજરાતમાં માત્ર 18.8 મિ.મી. વરસાદ નોંધાયો
હવામાન વિભાગે તમામ તટીય વિસ્તારોમાં સ્થાનિકોને અને ખેડૂતોને આગાહી મુજબ પગલાં લેવા સૂચવ્યા છે. આગામી દિવસોમાં હવામાનમાં વધુ ફેરફારની શક્યતા હોવાથી લોકો અને ખેડૂતોને સચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે.અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. ગુજરાતમાં અત્યાર સુધી 18.8 મિ.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય રીતે 104 મિ.મી. વરસાદ થવો જોઈએ.




