અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. રવિવારે રાજ્યના 120થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ અમરેલીના રાજુલા અને ધારીમાં 10-10 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. આજે પણ અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા બે ત્રણ દિવસથી અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અનેક ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાનીના દૃશ્યો પણ સામે આવ્યા છે.
કયા જિલ્લામાં રેડ એલર્ટ?
-
દક્ષિણ ગુજરાત: ડાંગ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં શરૂઆતના ત્રણેય દિવસ (5 થી 7 જુલાઈ) અત્યંત ભારે વરસાદની આશંકા છે.
- સૌરાષ્ટ્ર: ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ 5 જુલાઈના રોજ આભ ફાટે તેવી (અત્યંત ભારે) વરસાદી સ્થિતિ સર્જાઈ શકે છે.
6 જુલાઈ (સોમવાર)
-
અત્યંત ભારે વરસાદ: ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ સમાન અત્યંત ભારે વરસાદની સંભાવના છે.
-
ભારેથી અતિભારે વરસાદ: છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
-
ભારે વરસાદ: પંચમહાલ, મહીસાગર, વડોદરા અને પોરબંદરમાં ભારે વરસાદની સંભાવના છે.
-
હળવોથી મધ્યમ વરસાદ: ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદમાં 40 થી 50 કિમી/કલાકની ઝડપે પવન અને મધ્યમ મેઘગર્જના સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

7 જુલાઈ (મંગળવાર)
દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદનો દોર ચાલુ રહેશે. સુરત, તાપી, ભરૂચ, ભાવનગર અને અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના યથાવત છે. મધ્ય ગુજરાતના વડોદરામાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે
8 જુલાઈ (બુધવાર)
આ દિવસથી વરસાદનું જોર થોડું ઘટશે, છતાં વલસાડ, નવસારી, ડાંગ અને દમણમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બનાસકાંઠા અને મહેસાણા સહિતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકાની આગાહીને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારો અને દરિયાકાંઠાના લોકોને સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે. 8 જુલાઇ બાદ 11 જુલાઇ સુધી વરસાદનું જોર રાજ્યમાં ઘટશે.




