રાજ્યમાં આગામી અઠવાડિયે ક્યાં અને કેટલો પડશે વરસાદ?

ગાંધીનગર: અલનીનો ઈફેક્ટને કારણે વરસાદે જૂનમાં સૌને હતાશ કર્યા છે. પરંતુ હવે સવાલ એ છે કે જુલાઈમાં કેવો વરસાદ પડશે? હવામાન વિભાગે ચોમાસાના આગમનને લઈ આગામી ચાર અઠવાડિયાનું સંભવિત ચિત્ર રજૂ કર્યું છે. જેમાં આ પ્રશ્નનો જવાબ મળી જાય છે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના થોડાંક જિલ્લામાં વરસાદ નોંધાયો છે. નર્મદા, ડાંગ અને તાપી જેવાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં એક ઇંચની આસપાસ વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ નબળી રહી હતી. ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ચૂક્યું છે, પરંતુ વરસાદની શરૂઆત અપેક્ષા મુજબ જોરદાર રહી નથી. રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદની રાહ જોવાઈ રહી છે. ખાસ કરીને ખેતી આધારિત વિસ્તારોમાં ખેડૂતો વાવણી માટે અનુકૂળ વરસાદની રાહ જોઈ રહ્યા છે.

સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી વ્યાપક વરસાદ જોવા મળતો હોય છે. જોકે આ વર્ષે વરસાદ છૂટોછવાયો રહ્યો છે અને ઘણા વિસ્તારોમાં હજુ પૂરતો પહોંચ્યો નથી. વરસાદની તીવ્રતા અને વ્યાપકતા બંને સામાન્ય વર્ષોની સરખામણીએ ઓછી જણાઈ રહી છે.

હવામાન વિભાગના તાજેતરના પૂર્વાનુમાન અનુસાર જુલાઈ મહિનાના પ્રથમ અને બીજા સપ્તાહ દરમિયાન વરસાદી પ્રવૃત્તિમાં વધારો થઈ શકે છે. બીજી જુલાઈ પછી રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા વધુ છે. બીજી તરફ કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે. આગામી સપ્તાહોમાં હવામાનની સ્થિતિમાં થતા ફેરફારો પર સૌની નજર રહેશે.