દેશના વિકાસમાં મિઝોરમનું મહત્વનું યોગદાનઃ PM મોદી

મિઝોરમઃ આઇઝોલ પહેલી વાર રેલ લાઇનથી જોડાઈ ગયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મિઝોરમમાં રેલ લાઇનનું ઉદઘાટન કર્યું. આ સાથે આઇઝોલ ઉત્તર–પૂર્વનું ચોથું રાજધાની શહેર બની ગયું છે, જે રેલ માર્ગ સાથે જોડાયું છે. તે પહેલાં ગુવાહાટી, અગરતલા અને ઇટાનગર રેલ માર્ગ સાથે જોડાઈ ચૂક્યાં હતાં. પીએમ મોદીએ આ અવસર પર કહ્યું હતું કે છેલ્લાં 11 વર્ષોમાં ઉત્તર–પૂર્વનાં રાજ્યોમાં ઝડપી કામ થયું છે. દેશના વિકાસમાં મિઝોરમનું મહત્વનું યોગદાન છે, પરંતુ કેટલીક પાર્ટીઓએ મતબેંકના રાજકારણને વિકાસથી ઉપર રાખ્યું છે.

વડા પ્રધાન મોદીએ આજે મિઝોરમની રાજધાનીને દિલ્હી, ગુવાહાટી અને કોલકાતા સાથે જોડતી ત્રણ નવી એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી. સ્વતંત્રતા આંદોલન હોય કે રાષ્ટ્ર નિર્માણ, મિઝોરમના લોકોએ ઘણું યોગદાન આપ્યું છે. મિઝોરમ માટે આ ઐતિહાસિક દિવસ છે, આઇઝોલ હવે રેલ નકશામાં આવી ગયું છે એમ તેમણે કહ્યું હતું.

પીએમ મોદીએ મિઝોરમમાં શું–શું કહ્યું?

    • હું ઉત્તર–પૂર્વની સુંદર સંસ્કૃતિનો દૂત છું. અમે ઉત્તર–પૂર્વમાં રમતગમત અર્થવ્યવસ્થાનો વિકાસ કરીશું. મિઝોરમે ઘણા ચેમ્પિયન આપ્યા છે અને નવી રમત નીતિ સાથે અમે તેને વધુ આગળ વધારીશું.
    • મિઝોરમના વાંસનાં ઉત્પાદનો, જૈવિક આદુ અને કેળા પ્રસિદ્ધ છે. અમે જીવનને સરળ બનાવવા અને વેપારને સરળ બનાવવા પ્રયત્ન કરી રહ્યા છીએ.
    • અમે નવી GST વ્યવસ્થા જાહેર કરી છે અને ભાવોમાં ભારે ઘટાડો આવ્યો છે. 2014માં દૈનિક વપરાશની વસ્તુઓ પર 27 ટકાનો ભારે કર લાગતો હતો, હવે તે ફક્ત 5 ટકા છે.
    • આ વખતે તહેવારોમાં માહોલ વધુ ઉત્સાહભર્યો રહેશે. મુસાફરી કરવી અને બહાર જમવું સસ્તું થઈ જશે, જેનાથી લોકોને વધુ ભ્રમણ કરવા મદદ મળશે.
    • અમારા અર્થતંત્રમાં સાત ટકાનો વિકાસ જોવા મળ્યો છે, ભારત દુનિયાનું સૌથી ઝડપી વિકાસ કરતી મુખ્ય અર્થતંત્ર છે.

બેરાબી–સૈરાંગ રેલવે લાઇનની ખાસિયત જણાવતા પીએમ મોદીએ કહ્યું, *”કેટલાક વર્ષો પહેલાં મને આઇઝોલ રેલવે લાઇનની પાયારોપણ કરવાની તક મળી હતી અને આજે તેને દેશવાસીઓને સમર્પિત કરતાં ગર્વ અનુભવી રહ્યો છું. કઠિન ભૂપ્રદેશ સહિત ઘણી પડકારોને પાર કરતાં, બેરાબી–સૈરાંગ રેલવે લાઇન હકીકત બની ગઈ છે. અમારા ઇજનેરોની કુશળતા અને અમારા કામદારોના ઉત્સાહે આને શક્ય બનાવ્યું છે.