પાકિસ્તાનના રાજકારણમાં ફરી એકવાર મોટી હલચલ જોવા મળી રહી છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) ના સ્થાપક ઇમરાન ખાનને અદિયાલા જેલમાંથી સારવાર અર્થે ઇસ્લામાબાદ સ્થિત શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા કડક આદેશ બાદ વહીવટી તંત્ર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. પૂર્વ વડાપ્રધાનના આગમનને પગલે હોસ્પિટલ અને તેની આસપાસનો સમગ્ર વિસ્તાર કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે.

શિફા હોસ્પિટલનો એક ભાગ ‘સબ-જેલ’ જાહેર કરાશે
સુરક્ષા કારણોસર તંત્ર દ્વારા શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલના એક ખાસ ભાગને ‘સબ-જેલ’માં તબદીલ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ અંગે સંબંધિત વિચાર-વિમર્શ અને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચીફ કમિશનર દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર નોટિફિકેશન જારી કરવામાં આવે તેવી શક્યતા છે. ઇમરાન ખાનના શિફ્ટિંગ દરમિયાન સુરક્ષાના ભયાનક ઈંતેજામ જોવા મળ્યા હતા. ઇસ્લામાબાદ પોલીસના ઇન્સ્પેક્ટર જનરલ (IG) અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ શિફા હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં સ્થળ પર તૈનાત અધિકારીઓએ IGને સુરક્ષા પ્લાન વિશે વિગતવાર માહિતી આપી હતી. હોસ્પિટલ તરફ આવતા રસ્તાઓ પર કોઈ પણ પ્રકારનો અવરોધ ન ઊભો થાય તે માટે બહાર પાર્ક કરેલા વાહનોને ક્રેન/લિફ્ટરની મદદથી દૂર કરવામાં આવ્યા હતા અને સમગ્ર પરિસરમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.
ઇમરાન ખાનના બહેન અલીમા ખાનને જેલના દરવાજે અટકાવવામાં આવ્યા
બીજી તરફ, ઇમરાન ખાનને હોસ્પિટલ ખસેડવાની પ્રક્રિયા ચાલુ હતી તે જ સમયે તેમના બહેન અલીમા ખાન અને તેમના પિતરાઈ ભાઈ કાસિમ ખાન અદિયાલા જેલ ખાતે પહોંચ્યા હતા. જોકે, કડક સુરક્ષા પ્રોટોકોલ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે તેમને જેલના મુખ્ય દરવાજા (મેઈન ગેટ) પર જ રોકી દીધા હતા અને અંદર જવાની પરવાનગી આપી નહોતી.
સુપ્રીમ કોર્ટનો આદેશ અને પીએમ શાહબાઝ શરીફની બેઠક
ઇમરાન ખાનને જેલમાંથી હોસ્પિટલમાં ખસેડવાની આ સમગ્ર કાર્યવાહી પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના બે દિવસ પહેલાંના સ્પષ્ટ આદેશ બાદ થઈ છે. શીર્ષ અદાલતે નિર્દેશ આપ્યો હતો કે પૂર્વ વડાપ્રધાનની યોગ્ય તબીબી તપાસ અને સારવાર માટે તેમને અદિયાલા જેલમાંથી તાત્કાલિક શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે.
સુપ્રીમ કોર્ટના આ નિર્દેશ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ગૃહમંત્રી મોહસિન નકવી વચ્ચે પણ ઇમરાન ખાનના શિફ્ટિંગ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ઉચ્ચ સ્તરીય વાતચીત થઈ હતી. ત્યારબાદ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પ્રશાસને હોસ્પિટલમાં તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી હતી. હાલ ઇમરાન ખાન હોસ્પિટલમાં દાખલ છે અને વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ સુરક્ષાનો ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.



