ઈસ્લામાબાદ: પાકિસ્તાનની અદિયાલા જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પોતાની અને પત્ની બુશરા બીબીની લથડતી તબિયત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતોના મુખ્ય ન્યાયાધીશોને એક ખુલ્લો પત્ર લખ્યો છે. ૭૪ વર્ષીય ઈમરાન ખાને આ પત્રમાં ચેતવણી આપી છે કે જેલમાં તેમને યોગ્ય તબીબી સારવાર ન મળવાને કારણે તેઓ કદાચ જીવતા બહાર નહીં આવી શકે. તેમના વકીલ બેરિસ્ટર સલમાન સફદર દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલા આ પત્રમાં ખાને જણાવ્યું છે કે તેમનું બ્લડ પ્રેશર ખતરનાક સ્તરે વધી ગયું છે અને ડોક્ટરોએ તેમને બ્રેઈન હેમરેજ તથા કાર્ડિયાક અરેસ્ટ (હાર્ટ એટેક)નું જોખમ હોવાનું જણાવ્યું છે.
ઈમરાન ખાને આરોપ લગાવ્યો છે કે તેમને દિવસના ૨૨ કલાક સુધી અંધારી કોટડી (સોલિટરી કન્ફાઇનમેન્ટ)માં બાહ્ય દુનિયાથી સાવ અલગ રાખવામાં આવ્યા છે, જ્યાં તેમને પરિવાર, વકીલો, પુસ્તકો કે ટેલિવિઝનની કોઈ સુવિધા આપવામાં આવતી નથી. તેમણે દાવો કર્યો છે કે તેમની જમણી આંખની ૮૫ ટકા રોશની જતી રહી છે અને તેમના હૃદયને પણ નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત, તેમણે પત્ની બુશરા બીબીની સ્થિતિ પણ અત્યંત નાજુક હોવાનું જણાવતા કહ્યું કે, ગુપ્ત રીતે કરાયેલી આંખની સર્જરી બાદ તેમને ફરી એકાંતવાસમાં ધકેલી દેવામાં આવ્યા છે, જેના કારણે જો તાત્કાલિક બીજી સર્જરી કરવામાં નહીં આવે તો તેઓ કાયમ માટે આંખોની રોશની ગુમાવી શકે છે.
પત્રના અંતમાં ઈમરાન ખાને ભાવુક થતા લખ્યું કે, “મેં મારું આખું જીવન ગરીબોને મફત સારવાર મળી રહે તે માટે હોસ્પિટલો બનાવવામાં વિતાવ્યું છે, પરંતુ આજે હું માત્ર મારી અને મારી પત્નીની સારવાર માટે ભીખ માંગી રહ્યો છું.” તેમણે અદાલતને અપીલ કરી છે કે તેમની સારવાર અંગે અગાઉ અપાયેલા કોર્ટના આદેશોનું તાત્કાલિક પાલન કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાન ઓગસ્ટ ૨૦૨૩થી જેલમાં છે, જ્યારે બુશરા બીબીની જાન્યુઆરી ૨૦૨૫માં ધરપકડ કરવામાં આવી હતી.






