દેશની 300 ફાઇવ સ્ટાર હોટેલમાં જોને કરી મફતમાં મોજ, અંતે ધરપકડ

રાયપુરઃ રાયપુરની ફાઇવ સ્ટાર હયાત હોટેલમાં રોકાયેલી 69 વર્ષીય એક વ્યક્તિ લગભગ રૂ. 64,000નું બિલ ચૂકવ્યા વિના શાંતિથી ચેકઆઉટ કરીને નીકળી ગયો હતો. એટલું જ નહીં, તે હોટેલનું અંદાજે રૂ. 1.48 લાખ કિંમતનું લેપટોપ પણ સાથે લઈ ગયો. હોટેલના સિક્યુરિટી ઇન્ચાર્જ સૂરજ સિંહે તેલીબાંધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી અને આરોપી બિંગસન જોનની ઓડિશામાંથી ધરપકડ કરી હતી.

એની પૂછપરછ દરમિયાન તેણે જે ખુલાસા કર્યા તે સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ. તેણે જણાવ્યું હતું કે 1990થી અત્યાર સુધીમાં તેણે દેશની 300થી વધુ જાણીતી હોટેલો સાથે છેતરપિંડી કરી છે. તે હોટેલમાં મહેમાન તરીકે રોકાતો, ત્યાં રહેતો, ખાતો-પીતો અને પછી બિલ ચૂકવ્યા વિના તેમ જ કીમતી સામાન લઈને ફરાર થઈ જતો. છેલ્લાં 36 વર્ષથી તે આ જ રીતે જીવન જીવતો હતો.

રાયપુરની હયાત હોટેલમાં છેતરપિંડીનો મામલો શું છે?

રાયપુર પોલીસ કમિશનરેટની એન્ટિ ક્રાઇમ યુનિટના ડીસીપી સ્મૃતિક રાજનાલાના જણાવ્યા મુજબ હોટેલ હયાતના સિક્યોરિટી ઇન્ચાર્જ સૂરજ સિંહે તેલીબાંધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એ ફરિયાદ મુજબ, 25 જૂને બિંગસન જોન હોટેલના એક રૂમમાં રોકાયો હતો. 27 જૂનની સવારે લગભગ 7:44 વાગ્યે તેણે નિયમિત ચેકઆઉટ પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના હોટેલ છોડી દીધી. તેણે રૂ. 63,755નું બિલ ચૂકવ્યું નહોતું અને વિશેષ વિનંતી પર આપવામાં આવેલો અંદાજે રૂ. 1.48 લાખનું લેપટોપ પણ સાથે લઈ ગયો હતો. હોટેલ મેનેજમેન્ટે તેના મોબાઇલ નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો ફોન સતત બંધ આવતો હતો.

કોણ છે આરોપી બિંગસન જોન?

69 વર્ષીય બિંગસન જોનના પિતાનું નામ જ્ઞાન પ્રકાશ છે. તે તામિલનાડુના તુતીકોરિન જિલ્લાના કીલ રસડા વિસ્તારમાં આવેલા નટરાજપુરમ સ્ટ્રીટનો રહેવાસી છે. તે દેશનાં વિવિધ રાજ્યોની જેલોમાં મળીને અંદાજે 15 વર્ષ સુધી સજા ભોગવી ચૂક્યો છે.