ઇન્ટરનેશનલ સટ્ટેબાજી, હવાલ સિન્ડિકેટને ત્યાં દરોડામાં 61 કિલો ચાંદી જપ્ત

કાનપુરઃ કાયદો-વ્યવસ્થાને મજબૂત બનાવવા અને ગેરકાયદે આર્થિક પ્રવૃત્તિઓ પર લગામ કસવાના ઉદ્દેશથી પોલીસ કમિશનરેટે મોટી સફળતા હાંસલ કરી છે. ક્રાઇમ બ્રાંચની ટીમે ગુપ્ત માહિતીને આધારે ધનકુટ્ટી વિસ્તારમાં આવેલા ગીચ વસ્તીવાળા વિસ્તારમાં સ્થિત એક મકાન પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં હવાલા અને ગેરકાયદે નાણાકીય લેવડદેવડ સાથે જોડાયેલા મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. સ્થળ પરથી આશરે બે કરોડ રૂપિયાની રોકડ અને લગભગ 61 કિલોગ્રામ ચાંદી જપ્ત કરવામાં આવી છે. ચાંદીની અંદાજિત બજાર કિંમત પણ લગભગ 2 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસે નેપાળી કરન્સી પણ જપ્ત કરી છે, જે આ રેકેટના આંતરરાષ્ટ્રીય તરફ હોવાના સંકેત આપે છે.

ચાર લોકોની ધરપકડ

આ દરોડા દરમિયાન ચાર લોકોને ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર આ મકાન કોઈ ગુપ્તા નામની વ્યક્તિ સાથે સંકળાયેલું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જ્યાં આ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી. કાર્યવાહીની જાણ થતાં જ પોલીસ કમિશનર રઘુવીર લાલ અને જોઇન્ટ કમિશનર વિનોદકુમાર પણ સ્થળ પર પહોંચ્યા અને આ ઓપરેશનની દેખરેખ રાખી હતી. આ દરોડો કાનપુર પોલીસની તે વિશેષ મુહિમનો ભાગ છે, જેમાં ગેરકાયદે ધનસંગ્રહ, હવાલા વેપાર અને કાળાં નાણાંના નેટવર્કને તોડવા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

પોલીસે શું જણાવ્યું?

એડીસીપી સુમિત સુધાકર રામટેકેએ માહિતી આપતાં જણાવ્યું હતું કે દરોડા ગુપ્ત સૂચનાને આધારે પાડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે આ એક મોટી ગેંગ છે, જેમાં અન્ય લોકો પણ સામેલ હોઈ શકે છે. અમે આરોપીઓની સતત પૂછપરછ કરી રહ્યા છીએ અને તેમના નેટવર્ક, સ્ત્રોત, પ્રાપ્તિકર્તાઓ તેમજ અન્ય શંકાસ્પદ ઠેકાણાઓની તપાસ ચાલુ છે. જે પણ નવાં તથ્યો સામે આવશે, તે સમયાંતરે જાહેર કરવામાં આવશે. હજી તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.