અફઘાનિસ્તાનમાં તાલિબાને દેશમાં ઈન્ટરનેટ પર મૂક્યો પ્રતિબંધ

કાબુલઃ અફઘાનિસ્તાનમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. અનૈતિકતા સામે તાલિબાનની કાર્યવાહી બાદ ઈન્ટરનેટ સેવાઓ સંભવિત રીતે દેશવ્યાપી સ્તરે બંધ કરવામાં આવી છે. ઓગસ્ટ, 2021માં તાલિબાને સત્તાનાં સૂત્રો સંભાળ્યાં ત્યારથી આ પહેલી વાર છે કે અફઘાનિસ્તાનમાં આ પ્રકારનો પ્રતિબંધ જોવા મળ્યો છે.

ટેલિકોમ સેવાઓ પર પડી રહી છે અસર

સપ્ટેમ્બરની શરૂઆતમાં તાલિબાન નેતા હિબતુલ્લાહ અખુન્દજાદાએ અનૈતિકતા રોકવા માટે ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યા બાદ અનેક પ્રાંતોના ‘ફાઇબર-ઓપ્ટિક કનેક્શન’ બંધ થઈ ગયા હતા. ઈન્ટરનેટના ઉપયોગ અને તે સુધી પહોંચના સમર્થક સંગઠન ‘નેટબ્લોક્સ’એ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં કનેક્ટિવિટી સામાન્ય સ્તરના 14 ટકાએ પહોંચી ગઈ છે અને દેશમાં ટેલિકોમ સેવાઓમાં લગભગ સંપૂર્ણ વિક્ષેપ જોવા મળી રહ્યો છે. સંગઠને કહ્યું હતું કે આ કાર્યવાહી લોકોની બહારની દુનિયા સાથે સંપર્ક કરવાની ક્ષમતા ગંભીર રીતે મર્યાદિત કરી શકે છે.

તાલિબાન સરકારે નથી કરી પુષ્ટિ

દેશના પૂર્વ અને દક્ષિણ પ્રાંતો નંગરહાર અને હેલમંદમાં તેમના પ્રતિનિધિઓ સાથે સંપર્ક કરવામાં નિષ્ફળ રહ્યું હતું. તાલિબાન સરકાર તરફથી ઈન્ટરનેટ બંધ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી, જ્યારે તે પોતાની આંતરિક અને બાહ્ય સંચાર માટે ‘મેસેજિંગ એપ’ અને સોશિયલ મિડિયા પર ઘણું નિર્ભર રહે છે. ખાનગી ‘ટોલો ન્યૂઝ ટીવી ચેનલે જણાવ્યું હતું કે સૂત્રોની પુષ્ટિ મુજબ દેશમાં ‘ફાઇબર-ઓપ્ટિક ઈન્ટરનેટ’ કાપી નાખવામાં આવે એવી શક્યતા છે.