ગૌહાટીઃ આસામ વિધાનસભાએ બુધવારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) વિધેયક પાસ કરી દીધું છે. ભાજપના નેતૃત્વવાળી રાજ્ય સરકારે સોમવારે આ વિધેયક વિધાનસભામાં રજૂ કર્યું હતું. આ સાથે આસામ ઉત્તર-પૂર્વ ભારતનું પહેલું રાજ્ય અને ઉત્તરાખંડ તથા ગુજરાત બાદ ભાજપ શાસિત ત્રીજું રાજ્ય બન્યું છે, જેણે આ પ્રકારનો કાયદો અમલમાં મૂક્યો છે.
વિપક્ષના ભારે હોબાળા વચ્ચે આ વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. વિપક્ષે માગ કરી હતી કે આ વિધેયકને સિલેક્ટ કમિટી પાસે મોકલવામાં આવે. 2026ની આસામ વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપનાં મુખ્ય વચનોમાં UCC બિલ સામેલ હતું અને રાજ્ય મંત્રીમંડળે આ મહિનાની શરૂઆતમાં પોતાની પ્રથમ બેઠકમાં તેના ડ્રાફ્ટને મંજૂરી આપી હતી.
મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમાએ વ્યક્ત કરી ખુશી
આસામ વિધાનસભામાં UCC વિધેયક 2026 પાસ થયા બાદ મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે આજે હું આનંદ સાથે જણાવું છે કે આસામ વિધાનસભાએ સમાન નાગરિક સંહિતા વિધેયક 2026 પસાર કર્યું છે. ઉત્તરાખંડ અને ગુજરાત પછી આસામ સમાન નાગરિક સંહિતા અપનાવનાર ત્રીજું રાજ્ય બનશે. સમાન નાગરિક સંહિતાને અમલમાં મૂકવું અમારા ચૂંટણી ઘોષણાપત્રમાં કરેલાં વચનોમાંથી એક હતું. અમને ખૂબ ગર્વ અને આનંદ છે કે ચૂંટણી બાદ આસામ વિધાનસભાના પ્રથમ જ સત્રમાં અમે આ ઐતિહાસિક વિધેયક પસાર કરવામાં સફળ રહ્યા છીએ. હું ખૂબ ગર્વ અનુભવું છું. આ વિધેયક પસાર કરવા બદલ હું આસામ વિધાનસભાના તમામ સભ્યોનો આભાર માનું છું.
VIDEO | On the Assam Assembly passing the UCC Bill 2026, CM Himanta Biswa Sarma (@himantabiswa) said, “Today, I am very happy to inform you that the Assam Assembly has passed the Uniform Civil Code Bill 2026. Assam will be the third state, after Uttarakhand and Gujarat, to adopt… pic.twitter.com/WyJwdCDlta
— Press Trust of India (@PTI_News) May 27, 2026
વિધેયકનો હેતુ શો છે?
આ વિધેયકનો હેતુ રાજ્યના તમામ લોકો માટે એકસમાન નાગરિક કાનૂની માળખું તૈયાર કરવાનો છે, તેમાં લગ્ન, છૂટાછેડા, વારસો અને લિવ-ઇન રિલેશનશિપ જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિધેયકની મુખ્ય જોગવાઈમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ અને લગ્ન તેમ જ લિવ-ઇન રિલેશનશિપનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવાનું સામેલ છે. ડ્રાફ્ટ કાયદા મુજબ લગ્ન થયા પછી 60 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે, જ્યારે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા દંપતીએ 30 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવું પડશે.




