નવી દિલ્હી: જો તમે પણ તમારું ઘર અથવા ફ્લેટ ભાડે આપો છો, તો આ ઘટના તમારા માટે મોટો પાઠ બની શકે છે. દેશની રાજધાની દિલ્હીમાંથી છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ભાડૂતોએ મળીને મકાનમાલિક મહિલાને નામે ખોટા દસ્તાવેજો તૈયાર કરીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી છે. અહેવાલ મુજબ દિલ્હીની રહેવાસી એક મહિલા સાથે તેના ભાડૂતોએ કથિત રીતે નકલી દસ્તાવેજો તૈયાર કરીને રૂ. 18 કરોડની લોન મેળવી લીધી અને મહિલાને ઓળખ ચોરી (Identity Fraud)નો ભોગ બનાવી હતી.
11 શેલ કંપનીઓ મારફતે રૂ. 18 કરોડની રકમ ગાયબ કરી
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ મકાનમાલિક મહિલાના નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને વિવિધ કંપનીઓને નામે બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન સ્વરૂપે કરોડો રૂપિયાની રકમ મેળવી હતી. ત્યાર બાદ આ રકમને છુપાવવા માટે 11 શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવી અને પછી અલગ-અલગ માધ્યમોથી ઉપાડી લેવામાં આવી હતી. પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે બીજા આરોપીની શોધખોળ ચાલુ છે.
વર્ષ 2012માં ભાડૂત તરીકે આવ્યા હતા બે વ્યક્તિ
આ સમગ્ર છેતરપિંડીની શરૂઆત જૂન, 2012માં થઈ હતી. પૂર્વ દિલ્હીના વિવેક વિહાર વિસ્તારમાં રહેતી 55 વર્ષીય ઉષા રાણી સેઠીએ વિવેક વિહારના બ્લોક-ડીમાં બે નવા ફ્લેટ ખરીદ્યા હતા. તેઓ આ બંને ફ્લેટ ભાડે આપવા માટે ભાડૂતોની શોધમાં હતાં. તે દરમિયાન સચિન અને સંજય નામની બે વ્યક્તિઓ ફ્લેટ ભાડે લેવા માટે તેમની પાસે આવ્યા હતા. મુખ્ય આરોપી સચિને પોતાને વેપારી તરીકે ઓળખાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તે ‘જગદંબા મેટલ્સ’ નામની મેટલ ટ્રેડિંગ કંપનીનો માલિક છે. જ્યારે સંજયે પોતાને સચિનનો બિઝનેસ એસોસિયેટ હોવાનું જણાવ્યું હતું.

સબ-રજિસ્ટ્રાર કચેરીમાં રજિસ્ટર્ડ કરાયો હતો ભાડા કરાર
પીડિતા ઉષા રાણી સેઠીએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે પોતાના બીજા માળનો ફ્લેટ સચિનને દર મહિને લગભગ રૂ. 47,000ના ભાડે આપ્યો હતો, જ્યારે ત્રીજા માળનો નાનો ફ્લેટ સંજયને દર મહિને રૂ. 17,000ના ભાડે આપ્યો હતો. મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે બંને ફ્લેટના ભાડા કરાર (રેન્ટ એગ્રીમેન્ટ) સબ-રજિસ્ટ્રાર કચેરીમાં નિયમિત રીતે નોંધાયેલા હતા. બંને આરોપીઓ થોડા સમય સુધી ફ્લેટમાં રહ્યા અને બાદમાં ફ્લેટ ખાલી કરીને ચાલ્યા ગયા. જોકે એ પછી તેમણે મહિલાના દસ્તાવેજોનો ગેરકાયદે ઉપયોગ કરીને રૂ. 18 કરોડની આ મોટી છેતરપિંડીને અંજામ આપ્યો હતો.




