ગુજરાતમાં છેતરપિંડી કરનારાઓએ બધી હદો વટાવી દીધી છે. આ વખતે, તેમણે એક ધારાસભ્યને ડિજિટલી એરેસ્ટ કરવાનો પ્રયાસ કર્યો. જોકે, ધારાસભ્ય યોગેશ પટેલની સક્રિયતાને કારણે, ગુનેગારો તેમના પ્લાનમાં નિષ્ફળ ગયા. વાંચો સંપૂર્ણ અહેવાલ.
ગુનેગારોની હિંમત દિવસેને દિવસે વધી રહી છે. ડિજિટલ યુગમાં ગુનેગારો ડિજિટલ એરેસ્ટના હથિયારનો ખૂબ ઉપયોગ કરવા લાગ્યા છે. હવે ફક્ત સામાન્ય લોકો જ નહીં પરંતુ જનપ્રતિનિધિઓ પણ આ ગુનેગારોના નિશાને છે. આવો જ એક કિસ્સો ગુજરાતમાંથી સામે આવ્યો છે. ગુજરાતના વડોદરા શહેરમાં સાયબર ક્રાઈમ કરનારાઓએ ‘ડિજિટલ એરેસ્ટ’ના નામે ભાજપના વરિષ્ઠ નેતા અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. મુંબઈ પોલીસ અધિકારી તરીકે ઓળખાવનારા આ સ્કેમરે ફોન પર તેમના વિરુદ્ધ ગંભીર કેસ નોંધવાનું કહીને ધારાસભ્ય પર દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પટેલની સુઝબુઝના કારણે આ પ્રયાસ નિષ્ફળ ગયો.
અહેવાલો અનુસાર, ધારાસભ્ય યોગેશ પટેલને એક અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન આવ્યો હતો. ગુજરાતીમાં બોલતા ફોન કરનારે પોતાને મુંબઈ પોલીસ અધિકારી તરીકે ઓળખાવ્યો અને તેણે દાવો કર્યો કે ધારાસભ્યનું નામ એક ફોજદારી કેસમાં સામે આવ્યું છે અને તેમની સામે “ડિજિટલ એરેસ્ટ” પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
વાતચીત દરમિયાન શંકા ગઈ
ફોન કરનારે તેમને કથિત નોટિસ, કેસ અને કાનૂની કાર્યવાહીની ધમકી આપી અને તેમને વિડીયો કોલ પર આવીને આ બાબતે વધુ ચર્ચા કરવા દબાણ કર્યું. જોકે, વાતચીત દરમિયાન જ ધારાસભ્યને શંકા ગઈ કે તે કોઈ સાયબર ગેંગનો સભ્ય હોઈ શકે છે. ધારાસભ્ય યોગેશ પટેલે ફોન કરનારને ધમકીભર્યા સ્વરમાં જવાબ આપતા કહ્યું, “તુ જે સ્કુલમાં ભણ્યો છે, તેનો હું પ્રિન્સિપાલ રહી ચુક્યો છું” આ સાંભળીને, ફોન કરનાર ગભરાઈ ગયો અને તરત જ કોલ કાપી નાખ્યો.
તમને જણાવી દઈએ કે, રાજકારણમાં પ્રવેશતા પહેલા, યોગેશ પટેલ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા અને તેમણે ઘણા વર્ષો સુધી સ્કુલના પ્રિન્સિપાલ તરીકે સેવા આપી હતી. પોલીસ આવા કિસ્સાઓમાં લોકોને સતર્ક રહેવાની અપીલ કરતી રહે છે. સાયબર ગુનેગારો, પોલીસ, CBI અથવા અન્ય તપાસ એજન્સીઓના અધિકારીઓ તરીકે પોતાને ઓળખાવીને, પીડિતોને કલાકો કે દિવસો સુધી વીડિયો કોલ દ્વારા ઓનલાઈન “કેદ” રાખે છે. આ સમય દરમિયાન, તેમને ખોટા કેસ, મની લોન્ડરિંગ અથવા ડ્રગના આરોપોની ધમકી આપવામાં આવે છે અને તેમના બેંક ખાતાઓમાંથી મોટી રકમ ટ્રાન્સફર કરવાની ફરજ પાડવામાં આવે છે.




