હવે પાસપોર્ટ માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે!

અમદાવાદ: રાજ્યમાં પાસપોર્ટ માટે અરજી કરનારા નાગરિકો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવા મહત્વપૂર્ણ દિશા-નિર્દેશો આપ્યા છે.

રૂબરૂ બોલાવવાની જરૂર નથી

પાસપોર્ટ વેરિફિકેશનની વહીવટી પ્રક્રિયામાં કેટલાંક મોટાં સુધારા કરવામાં આવ્યા છે. પોલીસ વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા (Citizenship) અને તેનો કોઈ ગુનાઈત પૂર્વ ઈતિહાસ (Criminal Record) છે કે નહીં, તે બાબતની જ ચકાસણી કરવાની રહેશે. પોલીસે પાસપોર્ટ અરજદારોના રહેઠાણના સરનામાની અલગથી ચકાસણી કરવાની કોઈ જરૂરિયાત રહેશે નહીં. આ પ્રક્રિયા દરમિયાન અરજદારને રૂબરૂ મળવાની કે તેની સહી લેવાની પણ જરૂરી નથી.

જે કિસ્સામાં પોલીસને કોઈ શંકાસ્પદ બાબત જણાય અથવા વધુ ખરાઈ કરવાની જરૂરિયાત લાગે, તેવા અપવાદરૂપ સંજોગોમાં જ પોલીસ કર્મચારીએ અરજદારના રહેઠાણ સ્થળની મુલાકાત લેવાની રહેશે. જો કે, આવા કિસ્સામાં પણ અરજદારને પોલીસ સ્ટેશન રૂબરૂ બોલાવી શકાશે નહીં.

આદેશનું કડક પાલન કરવા સૂચના

રાજ્યના પોલીસ મહા નિર્દેશક (DGP) જ્ઞાનેન્દ્રસિંહ મલિકે રાજ્યના તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને આ નવા દિશા-નિર્દેશોનું કડકપણે પાલન કરવા આદેશ આપ્યો છે. આ સાથે તેમણે રાજ્યના તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આ સુધારેલી સરળ પ્રક્રિયાથી માહિતગાર થાય અને કોઈ પણ બિનજરૂરી પ્રક્રિયા કે ગેરસમજમાં ન પડે.

અગાઉ પણ પરિપત્ર કરાયો હતો

2011માં પણ તત્કાલીન ગુજરાત પોલીસ વડાએ અરજદારોને રુબરુ નહીં બોલાવવાનો આદેશ આપ્યો હતો. આમ છતાં, રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ફરી આદેશ આપવો પડ્યો છે.