મુંબઈઃ મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે મોટો નિર્ણય લેતાં પહેલી ઓગસ્ટથી બાઈક અને ટેક્સી માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. ડ્રાઈવરો માટે મરાઠી ભાષાનું જ્ઞાન પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. હાલમાં મહારાષ્ટ્રમાં અંદાજે ચારથી 4.5 લાખ ગેરકાયદે બાઈક ટેક્સીઓ કાર્યરત છે. તેમને નિયમિત અને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકાર પહેલી ઓગસ્ટથી નવી બાઈક ટેક્સી નીતિ અમલમાં મૂકવા જઈ રહી છે. સરકારનું કહેવું છે કે આ પગલાથી રોજગારની નવી તકો ઊભી થશે અને ગેરકાયદે સંચાલનને કારણે થતા આવકના નુકસાનમાં પણ ઘટાડો થશે.
રાજ્યના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકએ જણાવ્યું હતું કે માત્ર મહારાષ્ટ્રનું ડોમિસાઇલ (સ્થાયી નિવાસ પ્રમાણપત્ર) ધરાવતા અને મરાઠી ભાષા સમજી શકતા લોકોને જ બાઈક ટેક્સી માટે પરમિટ આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઓપરેટરોને દરરોજ સરકારને પાંચ રૂપિયાની ફી ચૂકવવી પડશે. ઉપરાંત, તેમની કુલ આવકના બે ટકા રકમ વેલફેર ફંડમાં જમા કરાવવાની રહેશે. વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન શિવસેના વિધાનસભ્ય દિલીપ લાંડેએ જણાવ્યું હતું કે ગેરકાયદે બાઈક ટેક્સી ઓપરેટરોને કારણે ઓટો અને ટેક્સીચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
આ મુદ્દે ચર્ચા દરમિયાન ઉદ્ધવ ઠાકરે જૂથના વિધાનસભ્ય સુનીલ પ્રભુએ ચિંતા વ્યક્ત કરી કે ઘણા ઓલા અને ઉબરના ડ્રાઈવરો નશાની હાલતમાં વાહન ચલાવે છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે ઝોમેટો અને સ્વિગીના ઘણા ડિલિવરી પાર્ટનરો ટ્રાફિક નિયમોનું પાલન કરતા નથી. તેના જવાબમાં પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકએ જણાવ્યું કે તેઓ પરિવહન વિભાગને વિશેષ અમલીકરણ અભિયાન ચલાવવા માટે સૂચના આપશે, જેથી નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરી શકાય.




