મૈસૂરમાં PM મોદીએ વૃદ્ધ મહિલા કાર્યકરની કરી મદદ, ચક્કર આવતાં તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરાવી

કર્ણાટકના મૈસૂરમાં PM નરેન્દ્ર મોદીનો માનવીય અભિગમ જોવા મળ્યો હતો. શુક્રવારે કોસ્મોસ પ્લેનેટેરિયમના ઉદ્ઘાટન દરમિયાન ભાજપનાં 70 વર્ષીય કાર્યકર પ્રેમાં સિમ્બૈયાને અચાનક ચક્કર આવતાં PM મોદી પોતે તેમની મદદે પહોંચ્યા હતા.

નાનજનગુડ ટાઉન મ્યુનિસિપાલિટીનાં પૂર્વ અધ્યક્ષ પ્રેમાં સિમ્બૈયાની તબિયત લથડતાં PM મોદીએ તેમની સ્થિતિ જાણી હતી. મહિલાને જ્યૂસ આપવામાં આવ્યુ હતું. સાથે જ વડાપ્રધાને પોતાના કાફલામાં સામેલ ડૉક્ટરને તેમની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.

ભાજપ મહિલા મોરચાએ શેર કરી તસવીરો

ભાજપ મહિલા મોરચાએ આ ઘટનાની તસવીરો X પર શેર કરી હતી. પોસ્ટમાં PM મોદીની સંવેદનશીલતાની પ્રશંસા કરતાં તેમને સાચા ‘પ્રધાન સેવક’ ગણાવ્યા હતા.

મૈસૂરમાં ભવ્ય સ્વાગત, પિંક લાઇનનું ઉદ્ઘાટન

મૈસૂરમાં PM મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે આભાર વ્યક્ત કરતાં X પર વીડિયો પણ શેર કર્યો હતો. આ ઉપરાંત તેમણે બેંગલુરુ મેટ્રોની પિંક લાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર સાથે મળીને મેટ્રોને લીલી ઝંડી આપી હતી. કર્ણાટકમાં કનેક્ટિવિટી અને ઊર્જા સુરક્ષાને મજબૂત કરવા રૂ. 15 હજાર કરોડથી વધુનાં વિકાસકાર્યોની પણ શરૂઆત કરવામાં આવી હતી.