નવી દિલ્હીઃ રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ મોબાઇલ ફોન ગ્રાહકોનો મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે પ્રીપેડ મોબાઇલ યુઝર્સને પડી રહેલી મોટી મુશ્કેલીઓ તરફ સૌનું ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું હતું કે પ્રીપેડ રિચાર્જ પૂરો થયા પછી ઇનકમિંગ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવે છે, જે સંપૂર્ણપણે ખોટું છે. તેમણે આને ટેલિકોમ કંપનીઓની ખુલ્લી મનમાની ગણાવી હતી.
તેમણે જણાવ્યું હતું કે TRAIના આંકડા મુજબ દેશમાં લગભગ 125 કરોડ મોબાઇલ ગ્રાહકો છે, જેમાંથી 90 ટકા પ્રીપેડ યુઝર્સ છે. તેમણે કહ્યું હતું કે પ્રીપેડ ગ્રાહકો તરફથી બે મોટી સમસ્યાઓ તેઓ સભામાં ઉઠાવવા માગે છે. પહેલી સમસ્યા એ છે કે રિચાર્જની વેલિડિટી પૂરી થતાં આઉટગોઇંગ કોલ સાથે ઇનકમિંગ કોલ પણ બંધ થઈ જાય છે.
ઇનકમિંગ કોલ બંધ થવાનો મુદ્દો ઉઠાવ્યો
તેમણે કહ્યું હતું કે જ્યારે પ્રીપેડ પ્લાનની મુદત પૂરી થાય છે અથવા રિચાર્જ સમાપ્ત થાય છે ત્યારે ફોનની સેવા બંધ કરી દેવામાં આવે છે. ફોન મારોં, સિમ મારો અને નંબર પણ મારો હોવા છતાં રિચાર્જ પૂરો થતા આઉટગોઇંગ બંધ થવું સમજાય છે, પરંતુ ઇનકમિંગ કોલ બંધ કરવું સંપૂર્ણ મનમાની છે.
લોકોની મુશ્કેલીઓ ગણાવી
તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં મોબાઇલ નંબર ડિજિટલ ઓળખ બની ગયો છે. બેન્કિંગ, UPI પેમેન્ટ, ટ્રેન ટિકિટ OTP, PAN-આધાર ઓથેન્ટિકેશન, ઇન્ટરવ્યુ કોલ, હોસ્પિટલના કોલ કે પરિવારજનોના કોલ — આ બધું ઇનકમિંગ કોલ અને SMS દ્વારા આવે છે. માત્ર રિચાર્જ કરવાનું ભૂલી જવાથી આ તમામ સેવાઓ બંધ થઈ જાય છે. તેમણે કહ્યું કે તેઓ ફ્રી આઉટગોઇંગ અથવા ફ્રી ડેટાની માગ નથી કરી રહ્યા, પરંતુ ઇનકમિંગ કોલ સુવિધાની ગેરંટી હોવી જોઈએ.

- પ્રીપેડ મોબાઇલમાં ઇનકમિંગ કોલ અને ઇનકમિંગ SMS ઓછામાં ઓછા એક વર્ષ સુધી ચાલુ રહેવા જોઈએ.
- કોઈ પણ મોબાઇલ નંબર ત્રણ વર્ષ પછી જ ડિએક્ટિવેટ કરવો જોઈએ, જેથી નંબર અન્ય વ્યક્તિને ફરીથી એલોટ ન થાય.
- મોબાઇલ ઓપરેટર્સે ઇનકમિંગ સુવિધા માટે ઓછા ખર્ચવાળો ખાસ રિચાર્જ પ્લાન ઉપલબ્ધ કરાવવો જોઈએ, જેથી લોકો ઇનકમિંગ કોલ અને SMS સેવા ચાલુ રાખી શકે.




