લખનૌ: યુપી વિધાનસભા ચૂંટણી પહેલાં બેઠકોની વહેંચણીને લઈને રાજકીય પક્ષોમાં હલચલ તેજ થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ સપા અને કોંગ્રેસ વચ્ચે સીટ શેરિંગ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. સપા સાથેના ગઠબંધનમાં કોંગ્રેસ ૨૦૦થી વધુ બેઠકો પર ચૂંટણી લડવા માગે છે. સૂત્રોના જણાવ્યાનુસાર કોંગ્રેસે ૨૦૦થી વધુ બેઠકોનું લિસ્ટ સમાજવાદી પાર્ટીને સોંપ્યું છે, જેના પર કોંગ્રેસે પોતાનો દાવો રજૂ કર્યો છે.

કોંગ્રેસે બેઠકોને ચાર કેટેગરીમાં વહેંચી
પ્રાપ્ત માહિતી મુજબ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીનાં પરિણામોને આધારે કોંગ્રેસે એવી બેઠકોની ઓળખ કરી છે જ્યાં વિધાનસભા સ્તરે કોંગ્રેસનું પ્રદર્શન સારું હતું. કોંગ્રેસે ૨૦૨૪ના લોકસભા પરિણામોને આધારે A, B, C, અને D કેટેગરી બનાવી છે, જેને આધારે પક્ષ દ્વારા બેઠકો આઇડેન્ટિફાય કરવામાં આવી છે.
૧૫ નવેમ્બર સુધીમાં સીટ શેરિંગ ફાઇનલ કરવા માગે છે કોંગ્રેસ
કોંગ્રેસનો દાવો છે કે ‘સંગઠન સૃજન’ અંતર્ગત પાર્ટીએ ગ્રાઉન્ડ લેવલ પર સાંગઠનિક રીતે પોતાને વધુ મજબૂત કરી છે. તેથી તેમનો દાવો ૨૦૦+ બેઠકો પર હોવો જોઈએ. કોંગ્રેસનું કહેવું છે કે તેમનો પ્રયાસ ૧૫ નવેમ્બર સુધીમાં સીટ શેરિંગ પરની ચર્ચા પૂરી કરવાનો છે જેથી ઉમેદવારોને પ્રચાર માટે પૂરતો સમય મળી શકે.
આ પહેલાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ તાજેતરમાં જ યુપી કોંગ્રેસના નેતાઓ સાથે બેઠકોની વહેંચણી અંગે ત્રણ કલાક સુધી બેઠક કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સાથે સીટ શેરિંગની વાટાઘાટોમાં પ્રિયંકા ગાંધી મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ૨૦૨૨ની ચૂંટણીમાં કોંગ્રેસ એકલી ચૂંટણી લડી હતી અને તે માત્ર બે બેઠકો જ જીતી શકી હતી.
कांग्रेस द्वारा 200 सीट मांगने पर बोले अखिलेश यादव , बिन मांगे मोती मिले 🥰😃
समझने वालों को इशारा काफी है 🤣 https://t.co/im1dLxhHfJ
— Samajwad ek soch (@samajwadeksoch) October 20, 2026
લોકસભા ચૂંટણીમાં ૩૮ બેઠકો પર કોંગ્રેસને મળી હતી સરસાઈ
૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી હતી. જેમાં કોંગ્રેસના પ્રદર્શનમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. પાર્ટીએ જે ૧૭ બેઠકો પર ચૂંટણી લડી હતી, તેમાંથી ૬ પર જીત હાંસલ કરી હતી. ૨૦૨૪ની ચૂંટણીમાં કોંગ્રેસ ૩૮ વિધાનસભા ક્ષેત્રોમાં આગળ રહી હતી અને ૪૨ અન્ય ક્ષેત્રોમાં બીજા સ્થાને રહી હતી. આ તમામ ૮૦ બેઠકોને પાર્ટીએ પોતાની ‘વિશલિસ્ટ’માં સામેલ કરી છે.






