અમદાવાદ: સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે ૧૨૦૦ બેડની અદ્યતન ‘NELS (National Emergency Life Support) સ્કિલ લેબ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મેડિકલ ક્ષેત્રે શિક્ષણ અને પ્રાયોગિક જ્ઞાનના સુમેળથી આરોગ્ય ક્ષેત્રને વધુ સુદ્રઢ બનાવવાના હેતુસર આ સ્કિલ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે આ લેબનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા. બી. જે. મેડિકલ કોલેજ દ્વારા સંચાલિત આ લેબ કેન્દ્ર સરકારના અનુદાનથી તૈયાર કરવામાં આવી છે.

સિમ્યુલેશન તાલીમથી જીવ બચાવવા માટેનો મહત્વનો પ્રયાસ
લોકાર્પણ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રીએ જણાવ્યું કે, મેડિકલ વિદ્યાર્થીઓ માટે પુસ્તકીય જ્ઞાન સાથે વ્યવહારિક કૌશલ્ય અત્યંત જરૂરી છે. આ સ્કિલ લેબ દ્વારા વિદ્યાર્થીઓને માનવ શરીર જેવી રચના ધરાવતા પ્લાસ્ટિક સિમ્યુલેટર પર લાઈવ ઈમરજન્સી તાલીમ આપવામાં આવશે. કટોકટીના સમયે ૧૦૮ ઈમરજન્સી ટીમ અને હોસ્પિટલના તબીબો દ્વારા લેવાતા ત્વરિત નિર્ણયો તેમજ ઈમરજન્સી પ્રોટોકોલની તાલીમ અહીં આપવામાં આવશે. અનુભવી પ્રોફેસરો દ્વારા અપાતી આ તાલીમથી રાજ્યમાં માતૃ મૃત્યુદર (MMR) અને બાળ મૃત્યુદર (IMR) ઘટાડવામાં મોટો ટેકો મળશે.

દેશની ૧૨૦ લેબ પૈકીની એક આધુનિક લેબ
શહેરી વિકાસ રાજ્યમંત્રીએ ઉમેર્યું કે, ભારત સરકાર દ્વારા દેશભરમાં સ્થપાયેલી ૧૨૦ સ્કિલ લેબ પૈકી અમદાવાદમાં શરૂ થયેલી આ લેબથી ડોક્ટર્સ, નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફને સીધો લાભ થશે. CPR અને ઈમરજન્સી લાઈફ સપોર્ટની સચોટ તાલીમથી અનેક અમૂલ્ય જીવ બચાવી શકાશે.
આ કાર્યક્રમમાં નાયબ સચિવ વિપુલ વસાવા, મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશી, ડીન ડૉ. મીનાક્ષીબહેન સહિત મેડિસિટીના સંચાલકો, પ્રોફેસરો અને મેડિકલ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.




