ભારત અને રશિયાને ચીનના હાથમાં ગુમાવી દીધાઃ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ એવું લાગે છે કે આપણે ભારત અને રશિયાને ખતરનાક ચીનના હાથોમાં ગુમાવી દીધાં છે, એમ ટેરિફ પર તનાવ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મિડિયા પોસ્ટમાં લખ્યું છે. ટ્રમ્પે પોતાના પોસ્ટ સાથે SCOમાં રાષ્ટ્રપતિ જિનપિંગ, પુતિન અને વડા પ્રધાન મોદીનો ફોટો પોસ્ટ કરી છે. ટ્રમ્પે લખ્યું કે આશા છે કે તેમનો સાથ લાંબો અને સમૃદ્ધ રહેશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તિયાનજિનમાં યોજાયેલા SCO શિખર સંમેલનમાં સાથે જોવા મળ્યા હતા. S દરમિયાન ત્રણેય નેતાઓ વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધોએ દુનિયાને સંકેત આપ્યો કે અમેરિકન રાષ્ટ્રપતિના ટેરિફ યુદ્ધ વચ્ચે એક નવો વર્લ્ડ ઓર્ડર આકાર લઈ રહ્યો છે. ઘણા નિષ્ણાતોએ આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી હતી.

વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રિફિંગ દરમિયાન જ્યારે ટ્રમ્પના નિવેદન પર પ્રતિક્રિયા માગવામાં આવી ત્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ મુદ્દે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

ગયા મહિને ટ્રમ્પ દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લગાવવામાં આવ્યા બાદ ભારત–અમેરિકાના સંબંધો ખૂબ તણાવપૂર્ણ થઈ ગયા છે. ટ્રમ્પે ચીન પર પણ 145 ટકાનો ભારે–ભરકમ ટેરિફ લગાવ્યો, પરંતુ આ નિર્ણયને 90 દિવસ માટે ટાળી દીધો હતો. અમેરિકી ટેરિફનો ભારતે કડક વિરોધ કર્યો છે. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે કે નવી દિલ્હી અમેરિકા પર દુનિયાનો સૌથી વધારે ટેરિફ લગાવી રહ્યું છે, જે અસંતુલિત વેપાર પરિસ્થિતિ ઊભી કરે છે.

ટ્રમ્પના શબ્દોને અમેરિકન અસંતોષ અને વધતા જિયોપોલિટિકલ તણાવના સંકેત તરીકે જોવામાં આવી રહ્યા છે. ભારત માટે આ નિવેદન નવા દબાણનું સૂચન બની શકે છે, ખાસ કરીને ત્યારે જ્યારે તે અમેરિકા અને યુરોપ સાથે પણ વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવાની કોશિશ કરી રહ્યું છે.