વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે એક વર્ષથી વધુ સમય સુધી ચાલેલી વાટાઘાટો બાદ ભારત અને અમેરિકા વેપાર સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવાની ખૂબ નજીક છે. બીજી તરફ, ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સંકેત આપ્યો છે કે બંને દેશો હવે ટેકનિકલ વિગતો ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને આગામી થોડાં સપ્તાહમાં આ સમજૂતી પર સહમતી બની શકે છે.
વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પને ભારત-અમેરિકા ટ્રેડ ડીલની સંભાવનાઓ વિશે પૂછવામાં આવ્યું હતું. તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે તેઓ સમજૂતી કરવા માગે છે. અમે પણ સમજૂતી કરવા જઈ રહ્યા છીએ. હા, અમે તેની ખૂબ નજીક છીએ. તેમણે વધુમાં કહ્યું હતું કે આ સમજૂતી ‘ઘણી અલગ પ્રકારની ડીલ હોઈ શકે છે’, જોકે તેમણે તેની વિસ્તૃત વિગતો આપી નહોતી.
માર્કો રુબિયો બોલ્યા: ‘મહિનાઓ નહીં, અઠવાડિયાઓમાં થઈ શકે છે સમજૂતી‘
ભારતની બે દિવસીય મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે અમે સમજૂતીની ખૂબ નજીક છીએ. મને લાગે છે કે હવે અમે એવા ટેકનિકલ મુદ્દાઓ પર પહોંચી ગયા છીએ, જેનો ઉકેલ લાવવાનો બાકી છે. ટેકનિકલ વિગતો એટલા માટે મહત્ત્વની છે, કારણ કે બંને પક્ષોએ એ સુનિશ્ચિત કરવું પડશે કે સમજૂતીની ભાષા અને જોગવાઈઓનો અર્થ બંને દેશો માટે એકસરખો હોય.
Watch: When asked whether a trade deal with India was close, US President Donald Trump says, “…We’re going to make a deal…It’s going to be a much different kind of a deal…”
(Source: White House/YT) https://t.co/MEdQWAZWVC
— IANS (@ians_india) October 20, 2026
શું ભારતને વધુ અનુકૂળ ટેરિફ દરો મળશે?
જ્યારે રુબિયોને પૂછવામાં આવ્યું કે શું ભારત અન્ય દેશોની સરખામણીએ વધુ અનુકૂળ ટેરિફ દરોની અપેક્ષા રાખી શકે છે, ત્યારે તેમણે કહ્યું કે કોઈ પણ વેપાર સમજૂતીનો મુખ્ય ઉદ્દેશ હાલના દરોની સરખામણીએ વધુ સારી શરતો મેળવવાનો હોય છે. બીજી તરફ, ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે પણ વાટાઘાટોમાં થઈ રહેલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે બંને પક્ષો સમજૂતી તરફ આગળ વધી રહ્યા છે.






