નવી દિલ્હીઃ વર્ષ 2026માં ઘણાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, પરંતુ જેમાં સૌથી વધુ રસપ્રદ મુકાબલો થવાનો છે તે પશ્ચિમ બંગાળ છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીને સત્તાથી દૂર કરવા માટે ભાજપે પૂરું જોર લગાવ્યું હતું, છતાં તે TMCને હરાવી શકી નહોતી. આ વખતે TMCને હરાવવા માટે ભાજપ અત્યારથી જ પોતાની ચૂંટણી વ્યહૂરચના પર કામ કરી રહ્યો છે. ગૃહમંત્રી અમિત શાહ સતત રાજ્યના પ્રવાસે જઈ સંગઠન મજબૂત કરી રહ્યા છે અને કાર્યકરોમાં ઉત્સાહ ભરી રહ્યા છે. બંગાળમાં વિધાનસભાની ચૂંટણી એપ્રિલ-મે મહિનામાં થવાની છે.
કોંગ્રેસે પણ ‘એકલા ચાલો’નો નિર્ણય કર્યો
બંગાળમાં કોંગ્રેસ, લેફ્ટ, AIMIM અને હુમાયુ કબીરની પાર્ટી પણ ચૂંટણી લડશે. છેલ્લી વખત કોંગ્રેસ અને લેફ્ટે સાથે મળીને ચૂંટણી લડી હતી, પરંતુ આ વખતે બંને સાથે આવશે કે નહીં તે હજી સ્પષ્ટ નથી. TMCએ સ્પષ્ટ કરી દીધું છે કે તે ચૂંટણી માટે કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે, તેથી કોંગ્રેસે પણ ‘એકલા ચાલો’નો નિર્ણય લીધો છે. TMC, કોંગ્રેસ અને લેફ્ટના આ વલણથી બંગાળમાં ‘ઇન્ડિયા’ ગઠબંધન વિખેરાઈ ગયું છે. આ વિખરાવ પાછળ ત્રણેય પક્ષોની પોતાની રાજકીય મજબૂરી છે, જે તેમને એકલા ચૂંટણી લડવા માટે પ્રેરિત કરી રહી છે.
બંગાળ કોંગ્રેસના નેતાઓ TMC સાથે ગઠબંધન નથી ઇચ્છતા
થોડા દિવસ પહેલા બંગાળ કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં રાજ્ય કોંગ્રેસની હાલત અને ચૂંટણી સમીકરણો પર ચર્ચા થઈ હતી. અહેવાલો મુજબ કોંગ્રેસ TMC સાથે મળીને ચૂંટણી લડવા ઇચ્છતી હતી, પરંતુ TMC દ્વારા આપવામાં આવતી બેઠકો બહુ ઓછી હતી. કહેવાય છે કે TMCએ કોંગ્રેસને ફક્ત બે બેઠકોની ઓફર કરી હતી, જે કોંગ્રેસને સ્વીકાર્ય નહોતી.

આ વખતે ત્રિકોણીય મુકાબલાના આસાર ઓછા
માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)ના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમે કહ્યું હતું કે તેઓ TMC અને ભાજપવિરોધી શક્તિઓને એક કરવા માગે છે. જોકે કોંગ્રેસમાં એક જૂથ એવું પણ છે જે માને છે કે મુકાબલો ત્રિકોણીય બનાવવા માટે લેફ્ટ સાથે ગઠબંધન કરવું જોઈએ. જો કોંગ્રેસ અને લેફ્ટ સાથે નહીં આવે તો મુકાબલો સીધો TMC અને ભાજપ વચ્ચે રહેશે અને કોંગ્રેસ પાછળ રહી જશે. 2021માં લેફ્ટ, કોંગ્રેસ અને ISF સાથે મળીને લડ્યા હતા, પરંતુ ફક્ત ISFને એક બેઠક મળી હતી.




