અમેરિકી રાજદૂત સર્જિયો ગોર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત અંગે કરવામાં આવેલા દાવા બાદ ભારતે આકરો પલટવાર કર્યો છે. સરકારી સૂત્રો અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પના ‘અણધાર્યા વર્તન’ (Unpredictable behavior) પ્રત્યે ભારત હંમેશા સતર્ક રહે છે, તેથી જ વિદેશી પ્રવાસો દરમિયાન જાહેર કાર્યક્રમો અને પ્રેસ કોન્ફરન્સ અંગે અગાઉથી પ્રોટોકોલ નક્કી કરવામાં આવે છે.

હકીકતમાં, ઇકોનોમિક ટાઇમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ દરમિયાન અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે દાવો કર્યો હતો કે જૂન મહિનામાં જી-૭ સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી અને પ્રમુખ ટ્રમ્પની બેઠક પહેલા ભારતે વિનંતી કરી હતી કે કોઈ સવાલ-જવાબ વાળી પૂર્ણ પ્રેસ કોન્ફરન્સ ન યોજવી. જોકે, ટ્રમ્પે આ વિનંતી બાજુ પર મૂકીને પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ગોરના આ નિવેદન બાદ ભારતમાં રાજકીય ગરમાવો આવી ગયો હતો અને વિપક્ષે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ નેતા પવન ખેડાએ આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન મીડિયાના સવાલોનો સામનો કરવાથી ડરે છે, જેનાથી દેશના વડાપ્રધાન પદની ગરિમાને નુકસાન પહોંચ્યું છે.
વિપક્ષના આક્ષેપો અને ગોરના નિવેદન સામે સરકારી સૂત્રોએ સ્પષ્ટતા કરી છે કે કોઈપણ મોટા વૈશ્વિક નેતાના પ્રવાસ પહેલા તેના જાહેર કાર્યક્રમો અને મીડિયા બ્રીફિંગની વ્યવસ્થા અંગે ચર્ચા કરવી એ એક સામાન્ય કૂટનીતિક પ્રક્રિયા છે. યુક્રેન, દક્ષિણ આફ્રિકા સહિતના અન્ય દેશોના વડાઓ સાથે ટ્રમ્પની વાટાઘાટોમાં પણ તેમનું અણધાર્યું વલણ સ્પષ્ટપણે જોવા મળ્યું છે. આથી, ટ્રમ્પ સાથેની બેઠકો દરમિયાન ભારતીય પ્રતિનિધિમંડળનું આ સતર્ક અને સાવચેતીભર્યું વલણ સંપૂર્ણપણે યોગ્ય અને દેશહિતમાં છે.
આ મુલાકાત ૧૭ જૂનના રોજ જી-૭ શિખર સંમેલન દરમિયાન ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સ ખાતે યોજાઈ હતી, જેનો મુખ્ય હેતુ ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને સુધારવાનો હતો.




