નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં તણાવ અને હોર્મુઝમાંથી સપ્લાયમાં વિક્ષેપને કારણે ભારત માટે ફ્યુઅલની આયાત મોંઘી બની ગઈ. માર્ચથી ઓગસ્ટ, 2026 દરમિયાન દેશને ક્રૂડ ઓઈલ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને ગેસ ખરીદવા માટે અંદાજ કરતાં 22 અબજ ડોલર વધુ ખર્ચ કરવા પડ્યા હતા. વર્તમાન વિનિમય દર પ્રમાણે આ રકમ લગભગ રૂ. બે લાખ કરોડ થાય છે. ચીન બાદ ભારત આ સંકટથી સૌથી વધુ અસરગ્રસ્ત બીજો ફ્યુઅલ આયાતકાર દેશ રહ્યો.
અર્થતંત્ર પર કેટલી અસર પડી?
સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (CREA)ના વિશ્લેષણ મુજબ નિકાસમાંથી થયેલી કમાણીની ગણતરી કર્યા બાદ ભારત પર તમામ અશ્મિભૂત ઈંધણની વધારાની ચોખ્ખી કિંમત 14.4 અબજ ડોલર રહી હતી. આ ભારતના GDPના લગભગ 0.38 ટકા અથવા દેશની લગભગ 1.4 દિવસની આવક જેટલી છે.
ક્રૂડ ઓઈલના મામલે ભારતની ચોખ્ખી વધારાની કિંમત 20.5 અબજ ડોલર આંકવામાં આવી છે. માર્ચથી ઓગસ્ટ દરમિયાન અશ્મિભૂત ઈંધણ પર વધારાના ખર્ચને મામલે ભારત યુરોપિયન યુનિયન અને ચીન બાદ ત્રીજા સ્થાને રહ્યું હતું. યુરોપિયન યુનિયનને 78 અબજ ડોલર અને ચીનને 35 અબજ ડોલરનો વધારાનો ખર્ચ કરવો પડ્યો.

દુનિયાભર પર કેટલો વધ્યો બોજ?
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ છ મહિનામાં ઈંધણ આયાત કરતાં દેશોએ દરિયાઈ માર્ગે આવતા ક્રૂડ ઓઈલ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને LNG માટે અંદાજ કરતાં 330 અબજ ડોલર વધુ ખર્ચ કર્યા. આ વધારાના ખર્ચમાં ક્રૂડ ઓઈલનો હિસ્સો સૌથી વધુ 164.1 અબજ ડોલર રહ્યો. ત્યાર બાદ ડીઝલ અને ગેસ ઓઈલ પર 73.8 અબજ ડોલર, પેટ્રોલ પર 35.7 અબજ ડોલર, LNG પર 38 અબજ ડોલર અને વિમાન ઈંધણ પર 20 અબજ ડોલરનો વધારાનો બોજ પડ્યો હતો. CREA મુજબ, 1990ના ગલ્ફ વોર બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં આ સૌથી મોટો લાંબા સમય સુધી ચાલેલો આંચકો હતો. ઓછી અને મધ્યમ આવક ધરાવતા આયાતકાર દેશો પર તેમની GDPના પ્રમાણમાં અમીર દેશોની સરખામણીએ લગભગ બમણો બોજ પડ્યો હતો.




