નવી દિલ્હીઃ ભારત હવે અમેરિકા માટે સૌથી વધુ સ્માર્ટફોન સપ્લાય કરનાર દેશ બની ગયો છે. આ સફળતા ભારતને 2025ની એપ્રિલથી જૂનના ત્રિમાસિક સમયગાળામાં મળી છે. અમેરિકા નિકાસ કરવામાં આવેલા સ્માર્ટફોનમાંથી 44 ટકા ભારતમાં બનાવવામાં આવ્યા હતા, જ્યારે એક વર્ષ પહેલાં આ આંકડો માત્ર 13 ટકા હતો. બીજી તરફ, ચીનનો હિસ્સો 61 ટકામાંથી ઘટીને માત્ર 25 ટકા થયો ગઈ છે. એટલે કે ભારતમાંથી અમેરિકાને મોકલાતા સ્માર્ટફોનમાં 240 ટકાનો જબરદસ્ત વધારો થયો છે, એમ અહેવાલ કહે છે.
ચીન અને અમેરિકાના વચ્ચે ચાલતા ટેરિફ વોરને કારણે ભારતમાં બનેલા સ્માર્ટફોનની અમેરિકામાં ભારે માગ વધી છે. જેને પરિણામે ‘મેડ ઇન ઇન્ડિયા’ સ્માર્ટફોનની નિકાસમાં ભારે ઉછાળો આવ્યો છે.
આ ફેરફાર પાછળ સૌથી મોટું કારણ એપલ કંપની છે. કંપનીએ ચીન ઉપરની નિર્ભરતા ઘટાડવા માટે ભારતમાં iPhone બનાવવાનું અને સીધું ત્યાંથી અમેરિકામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. કેનાલિસના વિશ્લેષક સંયમ ચૌરસિયાના જણાવ્યા અનુસાર કંપનીએ 2025ના બીજા ત્રિમાસિકમાં અમેરિકા માટે સૌથી વધુ iPhone ભારતમાંથી બનાવ્યા. આ સૌપ્રથમ વાર છે જ્યારે ભારત અમેરિકાનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બન્યું છે.
એપલ સિવાય સેમસંગ અને મોટોરોલા એ પણ ભારતમાંથી અમેરિકા માટે નિકાસ વધારી છે. એક અહેવાલ મુજબ એપલે એપ્રિલથી જૂન 2025 (Q1 FY26) દરમિયાન ભારતમાંથી અંદાજે $5 બિલિયન (લગભગ રૂ. 42,000 કરોડ)ના iPhones નિકાસ કર્યા, જે ભારતના કુલ સ્માર્ટફોન એક્સપોર્ટમાં 70 ટકા હિસ્સો ધરાવે છે. ગયા વર્ષે આ આંકડો $ ત્રણ બિલિયન હતો.
ભારત સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ હબ
ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ફોક્સકોન જેવી કંપનીઓએ પણ ઉત્પાદન વધાર્યું છે, જેને કારણે ભારતમાંથી એપ્રિલથી જૂન 2025માં કુલ સ્માર્ટફોન નિકાસ $ સાત અબજને પાર પહોંચી છે, જે ગયા વર્ષની તુલનામાં 40 ટકા વધુ છે. અર્થાત્ હવે ભારત માત્ર એક મોટો ગ્રાહક જ નહીં, પણ વૈશ્વિક સપ્લાય માટેનો મોટો ઉત્પાદક પણ બની રહ્યો છે.
