નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુના નિવેદન પર કોંગ્રેસના સાંસદ શશિ થરુરે આકરી પ્રતિક્રિયા આપી છે. કેરળના તિરુવનંતપુરમમાં મિડિયા સાથે વાતચીત દરમિયાન થરુરે કહ્યું હતું કે ભારત બાંગ્લાદેશ નથી અને ન તો ફ્રાન્સ છે. તેથી આ પ્રકારની સરખામણીઓ પ્રાસંગિક નથી.
થરુરે કહ્યું હતું કે મને નથી લાગતું કે આ સરખામણીઓ ખાસ પ્રાસંગિક છે. અમે કોઈ પણ પ્રકારની હિંસાનું સમર્થન કરતા નથી. ફ્રાન્સમાં બસો અને પોલીસ સ્ટેશનોને આગ લગાડવા જેવી ઘટનાઓનું પણ અમે સમર્થન કરતા નથી. અમે માત્ર શાંતિપૂર્ણ વિરોધમાં માનીએ છીએ. મેં પોતે પણ આવાં વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધો છે અને મારું માનવું છે કે વિપક્ષ પણ સામાન્ય રીતે તેનું સમર્થન કરે છે.
રિજિજુના નિવેદન પર શશિ થરુરનો પલટવાર
તેમણે ‘સત્તા પરિવર્તન’ જેવા શબ્દપ્રયોગને તોડી-મરોડીને રજૂ કરવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે વિપક્ષ કોઈ સરકારને પાડી દેવાનો પ્રયાસ કરી રહ્યો નથી, પરંતુ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓની માગ કરી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે આજે ચિંતાજનક બાબત એ છે કે મોટી સંખ્યામાં લોકોનાં નામ મતદાર યાદીમાંથી કાપી નાખવામાં આવ્યાં છે. આ એક સંપૂર્ણપણે ચિંતાજનક, અનિયમિત અને આંશિક રીતે ગેરકાયદે પ્રક્રિયાનું પરિણામ છે. એટલા માટે અમે આ પ્રક્રિયામાં સુધારો કરવાની માગ કરી રહ્યા છીએ. આ એક બંધારણીય મુદ્દો છે. આ કોઈ સરકારને પાડી દેવાનો મુદ્દો નથી.લોકશાહી અંગે તેમણે કહ્યું કે લોકશાહી કોઈએ આપેલી ભેટ નથી. ભારતના સામાન્ય નાગરિકો તેના રક્ષક છે અને દરેક ભારતીય નાગરિકને પોતાની લોકશાહીની રક્ષા કરવાનો અધિકાર છે.
શું કહ્યું હતું કિરણ રિજિજુએ?
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ તાજેતરમાં વિપક્ષના વિરોધ પ્રદર્શનોની સરખામણી બાંગ્લાદેશ અને ફ્રાન્સમાં બનેલી ઘટનાઓ સાથે કરી હતી. રિજિજુએ વિપક્ષ પર દેશમાં અશાંતિ ફેલાવવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.
એક પોસ્ટ દ્વારા રિજિજુએ દાવો કર્યો હતો કે કેટલાક રાજકારણીઓ અને ભારતવિરોધી તાકાતોએ ભેગા મળીને દેશમાં હિંસા ભડકાવવાનું કાવતરું ઘડ્યું હતું. રિજિજુએ એવો પણ દાવો કર્યો હતો કે ભારતમાં પણ બાંગ્લાદેશ અને ફ્રાન્સમાં તાજેતરના સમયમાં જોવા મળેલાં વિરોધ પ્રદર્શનો અને રમખાણો જેવી જ ઘટનાઓને અંજામ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમના જણાવ્યાનુસાર આ માટે આયોજનબદ્ધ રીતે યુવાનોને ઉશ્કેરવામાં આવ્યા હતા, જેથી તેઓ રસ્તા પર ઊતરીને હિંસા, આગચંપી અને લૂંટફાટ જેવી ઘટનાઓને અંજામ આપે.






