મલેશિયા જતા ભારતીયો માટે કડક સૂચના : બોગસ જોબ સ્કીમ્સ અને એજન્ટોથી સાવધાન

નવી દિલ્હી / કુઆલાલંપુર: મલેશિયામાં ભારતીય નાગરિકો માટે વિઝા-મુક્ત પ્રવેશ (Visa-Free Entry)ની સુવિધા આપવામાં આવે છે. જેનો લાભ લઈને કેટલાક અસામાજિક તત્વો અને બોગસ એજન્ટો દ્વારા ભારતીય યુવાનોને નોકરીની ખોટી લાલચ આપી ફસાવવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને મલેશિયા સ્થિત ભારતીય હાઇકમિશને એક વિશેષ ટ્રાવેલ અને જોબ એડવાઇઝરી જાહેર કરીને ભારતીય નાગરિકોને અત્યંત સાવચેત રહેવા અપીલ કરી છે.

પર્યટન વિઝા પર આવીને નોકરી કરવી ગેરકાયદેસર

હાઇકમિશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મલેશિયા સરકાર દ્વારા ભારતીયોને આપવામાં આવેલી વિઝા-ફ્રી એન્ટ્રી માત્ર પર્યટન (Tourism) અને ટૂંકી મુલાકાતો માટે જ છે. આ વિઝા-ફ્રી સુવિધા હેઠળ દેશમાં પ્રવેશ કરીને નોકરી કે રોજગાર મેળવવો એ મલેશિયાના કાયદા મુજબ ગેરકાયદેસર છે.

સાઇબર ક્રાઇમ અને આઇટી કૌભાંડોમાં ફસાવાનો ભય

કેટલાક એજન્ટ ભારતીય યુવાનોને આઈટી, કસ્ટમર સપોર્ટ કે ડેટા એન્ટ્રી જેવી આકર્ષક નોકરીઓ અને ઊંચા પગારની લાલચ આપીને ટૂરિસ્ટ વિઝા પર મલેશિયા બોલાવે છે. ત્યારબાદ આ યુવાનોને ગેરકાયદેસર સાઇબર ક્રાઇમ, ઓનલાઇન ગેમ્બલિંગ કે નાણાકીય કૌભાંડો આચરતા કોલ સેન્ટરોમાં કામ કરવા માટે મજબૂર કરવામાં આવે છે.

હાઇકમિશનની અગત્યની સૂચનાઓ

  • ઓફર લેટરની ચકાસણી: કોઈપણ એજન્ટ કે કંપની તરફથી મળેલા જોબ ઓફર લેટરની અધિકૃતતા ચકાસ્યા વગર મલેશિયાની મુસાફરી ન કરવી.

  • રોજગાર વિઝા અનિવાર્ય: મલેશિયામાં કાયદેસર કામ કરવા માટે ‘એમ્પ્લોયમેન્ટ પાસ’ (Employment Pass) અથવા યોગ્ય વર્ક પરમિટ હોવી ફરજિયાત છે.

  • રજિસ્ટર્ડ એજન્ટોનો સંપર્ક: માત્ર વિદેશ મંત્રાલય (MEA)ના ‘ઈ-માઈગ્રેટ’ (eMigrate) પોર્ટલ પર નોંધાયેલા અધિકૃત રિક્રુટિંગ એજન્ટો દ્વારા જ પ્રક્રિયા કરવી.