ભારત-પાકિસ્તાન મેચ: ફ્લાઇટ ટિકિટ રૂ. 1.5 લાખ સુધી, હોટેલ માલિકોને પણ ચાંદી

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતી કાલે શ્રીલંકાના કોલંબોમાં સાંજે સાત વાગ્યાથી T20 વર્લ્ડ કપ 2026નો મેચ રમાવાની છે. જો તમે આ મેચ જોવા જવાનું પ્લાન કરી રહ્યા છો, તો ફ્લાઇટ ટિકિટ માટે લાખો રૂપિયા ચૂકવવા પડી શકે છે.

14 ફેબ્રુઆરીએ તપાસ કરતાં 15 ફેબ્રુઆરીની દિલ્હી અને મુંબઈથી કોલંબો જતી ડિરેક્ટ ફ્લાઇટનું ભાડું એક મુસાફર માટે રૂ. 1.45 લાખ સુધી છે. 16 ફેબ્રુઆરીની સરખામણીએ આ ભાડું 40–50 ટકા વધારે છે.

દિલ્હીથી કોલંબો ફ્લાઇટ ભાડું

દિલ્હીથી કોલંબો ડિરેક્ટ ફ્લાઇટ દ્વારા પહોંચવા અંદાજે 4 કલાક લાગે છે. મેચના દિવસે સાંજે 7 વાગ્યા પહેલાં એર ઇન્ડિયાની નોનસ્ટોપ ફ્લાઇટનું ભાડું રૂ. 1,09,339 સુધી છે. જ્યારે શ્રીલંકન એરલાઇન્સનું ભાડું રૂ. 65,914 થી રૂ. 1,45,219 સુધી દર્શાવવામાં આવી રહ્યું છે.

મુંબઈથી કોલંબો ફ્લાઇટ ભાડું

મુંબઈથી કોલંબો ડિરેક્ટ ફ્લાઇટમાં લગભગ ત્રણ કલાક લાગે છે. 14 ફેબ્રુઆરીએ શ્રીલંકન એરલાઇન્સની નોનસ્ટોપ ફ્લાઇટનું ભાડું રૂ. 66,122 સુધી છે. 15 ફેબ્રુઆરીએ સાંજે 7 વાગ્યા પહેલાં એર ઇન્ડિયાની નોનસ્ટોપ ફ્લાઇટનું ભાડું રૂ. 60,030 છે.

હોટેલ ભાડું રૂ. 1.14 લાખ સુધી પહોંચ્યું

14 અને 15 ફેબ્રુઆરી માટે કોલંબોમાં 3થી 5 સ્ટાર હોટેલોમાં 2 લોકો માટે એક રાતનું રૂમ ભાડું રૂ. 1.14 લાખ સુધી પહોંચી ગયું છે. જોકે નાની હોટેલોમાં રૂ.2000-રૂ. 3000માં પણ રૂમ મળી શકે છે.

ભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવશે કે નહીં?

કોલંબોમાં ભારત-પાકિસ્તાન વચ્ચે આ મોટો મુકાબલો રમાશે. મેચ પહેલાં પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ ભારત સામે પોતાના “ટ્રમ્પ કાર્ડ” તરીકે ઉસ્માન તારિકનું નામ લીધું. તેમણે કહ્યું કે મેચ ખૂબ મોટી છે અને ટીમ સારી તૈયારી કરી રહી છે. સ્પિનરો હાવી રહી શકે છે, પરંતુ પેસરોની ભૂમિકા પણ મહત્વપૂર્ણ રહેશે. ભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવવાના પ્રશ્ન પર તેમણે કહ્યું હતું કે તે બાબતે પછી વિચારશે. ‘બોયકોટ ડ્રામા’ પછી આ મેચનું મહત્વ વધુ વધી ગયું છે.