નવી દિલ્હીઃ રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદવાને કારણે અમેરિકા દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો છે. સામે પક્ષે ભારતે બોઇંગ જેટ્સની $3.6 અબજની મોટી ડીલને હાલ માટે અટકાવી દીધી છે. છ વધારાના બોઇંગ P-8I સમુદ્રી પેટ્રોલ એરક્રાફ્ટ માટેના મૂળ ડીલને વર્ષ 2021માં US સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા $ 2.42 અબજમાં મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં સપ્લાય ચેઇનમાં અવરોધો, મોંઘવારી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ લગાવવાને કારણે આ ડીલની કિંમત ઘણી વધી ગઈ છે.
સંરક્ષણ મંત્રાલયે હાલ માટે આ ડીલને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે અને ફરીથી સ્ટ્રેટેજિક રીતે આ ડીલનું મૂલ્યાંકન કરવામાં આવશે. પુનઃમૂલ્યાંકન દરમિયાન વધતી કિંમત, ભૂ-રાજકીય ગતિશીલતા અને સ્વાયત્તતા જેવા મુદ્દાઓ અંતિમ નિર્ણયમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. જોકે હાલ સુધીમાં આ સોદા અંગે અથવા તે રદ કરવામાં આવી હોવાનું કોઈ સત્તાવાર નિવેદન ભારત સરકાર તરફથી આપવામાં આવ્યું નથી.
