લોવી ઇન્સ્ટિટ્યૂટના ‘એશિયા પાવર ઇન્ડેક્સ 2026’ અનુસાર, ભારત એશિયાનો ત્રીજો સૌથી શક્તિશાળી દેશ બન્યો છે. ભારતનો કુલ પાવર સ્કોર વધીને 40.5 થયો છે. કૂટનીતિ, સંરક્ષણ અને સાંસ્કૃતિક પ્રભાવના ક્ષેત્રોમાં ભારતનું પ્રદર્શન સુધર્યું છે. જોકે, રૂપિયાની નબળાઈ અને વિદેશી રોકાણમાં ઘટાડાને કારણે આર્થિક ક્ષમતાના સ્કોરમાં ઘટાડો નોંધાયો છે. આ યાદીમાં અમેરિકા પ્રથમ અને ચીન બીજા ક્રમે છે.

કૂટનીતિ અને સંરક્ષણ ક્ષેત્રે ભારતનું પ્રદર્શન સુધર્યું
રિપોર્ટ અનુસાર, ભારતનો સૌથી મજબૂત પક્ષ રાજદ્વારી પ્રભાવ રહ્યો છે. આ ક્ષેત્રમાં ભારતને 70.3 પોઇન્ટ મળ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રાદેશિક નેતૃત્વના મૂલ્યાંકનમાં પણ સુધારો થયો છે. તેઓ ત્રણ સ્થાન આગળ વધીને એશિયાના બીજા સૌથી પ્રભાવશાળી નેતા બન્યા છે. આ યાદીમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પ્રથમ સ્થાને છે.
ભારતના સંરક્ષણ નેટવર્કનો સ્કોર વધીને 18.6 થયો છે અને તે નવમા ક્રમે પહોંચ્યું છે. દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોને બ્રહ્મોસ મિસાઇલની નિકાસ અને પ્રાદેશિક સંરક્ષણ સહયોગમાં થયેલો વધારો તેના મુખ્ય કારણો છે. આ ઉપરાંત આર્થિક સંબંધોમાં સુધારા સાથે ભારત આ યાદીમાં બે સ્થાન આગળ વધીને સાતમા ક્રમે પહોંચ્યું છે.
આર્થિક ક્ષમતાના સ્કોરમાં ઘટાડો
ભારતનો આર્થિક ક્ષમતાનો સ્કોર ઘટીને 26.4 થયો છે, જોકે આ શ્રેણીમાં ભારત ત્રીજા સ્થાને યથાવત્ છે. રિપોર્ટ અનુસાર, રૂપિયાની નબળાઈ, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)ની અર્થતંત્રના મૂલ્યાંકનની પદ્ધતિમાં ફેરફાર અને વિદેશમાં થતા રોકાણમાં આશરે 20 અબજ ડૉલરનો ઘટાડો આનાં મુખ્ય કારણો છે.
સાંસ્કૃતિક પ્રભાવમાં પણ વધારો
ભારતના ભવિષ્યનાં સંસાધનોનો સ્કોર વધીને 56.2 થયો છે, જ્યારે સાંસ્કૃતિક પ્રભાવનો સ્કોર 43.8 નોંધાયો છે. સાંસ્કૃતિક પ્રસાર, માહિતીના આદાનપ્રદાન અને લોકો વચ્ચેના સંપર્કમાં થયેલા સુધારાને કારણે ભારતનું પ્રદર્શન વધુ મજબૂત બન્યું છે. રિપોર્ટ મુજબ, આર્થિક પડકારો છતાં એશિયામાં ભારતનો પ્રભાવ સતત વધી રહ્યો છે.




