ભારતે અમેરિકા સાથે LPG આયાત માટે કર્યો મોટો કરાર

નવી દિલ્હીઃ ભારતે અમેરિકાથી LPG આયાત કરવા માટે એક વર્ષનો મોટો કરાર કર્યો છે, એમ પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ 17 નવેમ્બરે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ઊર્જાના સ્ત્રોતોમાં વૈવિધ્ય લાવવા માટે ભારતે અમેરિકાથી LPG આયાત માટે ઐતિહાસિક કરાર કર્યો છે. સરકારી તેલ કંપનીઓએ દર વર્ષની 2.2 મિલિયન ટન LPG આયાત માટે આ ડીલ કરી છે.

પુરીએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે દેશના લોકોને સસ્તા LPG સુનિશ્ચિત કરવા માટે અમે LPGના સ્ત્રોતોમાં વૈવિધ્ય લાવી રહ્યા છીએ. આ કરાર હેઠળ પીએસયુ ઓઇલ કંપનીઓ કોન્ટ્રેક્ટ વર્ષ 2026 દરમિયાન અમેરિકાના ગલ્ફ કોસ્ટમાંથી LPG આયાત કરશે. આ ભારતીય બજાર માટે અમેરિકી LPGનો પહેલો સ્ટ્રક્ચર્ડ કોન્ટ્રેક્ટ છે.

IOC, BPCL અને HPCLના અધિકારીઓ અમેરિકા

તેમણે જણાવ્યું હતું કે LPG ની આ ખરીદી માટે IOC, BPCL અને HPCLના ટોચના અધિકારીઓની ટીમ અમેરિકા ગઈ હતી. આ કરાર પહેલાં ભારતીય કંપનીઓએ છેલ્લા કેટલાક મહિનામાં મોટા તેલ ઉત્પાદક વૈશ્વિક કંપનીઓ સાથે ચર્ચા કરી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં ભારે ઊથલપાથલ વચ્ચે પણ સરકારની તેલ કંપનીઓ ગ્રાહકોને ઓછી કિંમતમાં LPG પૂરી પાડે છે.

પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ PSU ઓઇલ કંપનીઓ અમારી બધી માતાઓ અને બહેનોને વૈશ્વિક કિંમતો કરતા ઘણી ઓછી કિંમતે LPG પૂરી પાડે છે. ગયા વર્ષે વૈશ્વિક કિંમતો 60 ટકા સુધી વધી હોવા છતાં મોદીજી એ સુનિશ્ચિત કર્યું કે ઉજ્જ્વલા ગ્રાહકોને LPG સિલિન્ડર માત્ર રૂ. 500–550 માં જ મળવો જોઈએ, જ્યારે સિલિન્ડરની વાસ્તવિક કિંમત રૂ. 1100થી વધુ હતી.

ગયા વર્ષે કેન્દ્ર સરકારે મહિલાઓને ઓછા ભાવે સિલિન્ડર આપવા માટે રૂ. 40,000 કરોડથી વધુ ખર્ચ કર્યો હતો.

LPG આયાતનો આ કરાર એવા સમયે થયો છે, જ્યારે ભારત અને અમેરિકાની વચ્ચે આ વર્ષના અંત સુધી વેપાર કરાર થવાની અપેક્ષા છે. એવી આશા છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર લાદેલો વધારાનો 25 ટકા ટેરિફ દૂર કરશે.