નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનને આકરો જવાબ આપતાં આતંકવાદને મુદ્દે તેની બેવડી નીતિને ખુલ્લી પાડી છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ આંતરરાષ્ટ્રીય મંચ પાકિસ્તાન માટે આતંકવાદને કાયદેસરતા આપવાનો મંચ બની શકે નહીં.
પાકિસ્તાનને ભારતના આંતરિક મામલાઓ પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ હતો, છે અને હંમેશાં રહેશે, એમ ભારતે જણાવ્યું હતું.
પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદથી હજારો ભારતીયોનાં મોત
છેલ્લા અનેક દાયકાઓમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકી હુમલાઓમાં હજારો ભારતીય નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારતે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આતંકવાદને કોઈ પણ પરિસ્થિતિમાં સામાન્ય માનવામાં આવી શકે નહીં. ભારતે પાકિસ્તાનને યાદ અપાવ્યું હતું કે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન એ જ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચો પર મદદ અને દયા માટેની અપીલ કરતું હતું, જ્યારે વર્ષોથી તે ભારત વિરુદ્ધ આતંકવાદને નીતિ તરીકે ઉપયોગમાં લેતું આવ્યું છે.
સિંધુ જળ સંધિ પર ભારતનું સ્પષ્ટ વલણ
65 વર્ષ પહેલાં તેણે સિંધુ જળ સંધિને સદ્ભાવના, મિત્રતા અને સારા પડોશી સંબંધોની ભાવનાથી સ્વીકારી હતી. જોકે છેલ્લા છ દાયકાઓ દરમિયાન પાકિસ્તાને આ સંધિના મૂળ ભાવને સતત ભંગ કર્યો છે, જેમાં ભારત પર ત્રણ યુદ્ધ લાદવા અને હજારો આતંકી હુમલાઓ કરાવવાનો સમાવેશ થાય છે. આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તેને આ નિર્ણય લેવાનો મજબૂર થવું પડ્યું છે કે સિંધુ જળ સંધિને ત્યાં સુધી સ્થગિત રાખવામાં આવશે, જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદ અને આતંકનાં તમામ સ્વરૂપોને વિશ્વસનીય અને અપરિવર્તનીય રીતે સંપૂર્ણપણે સમાપ્ત નથી કરતું, એમ ભારતે જણાવ્યું હતું.
ભારતે પુનરાવર્તન કર્યું કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ સામે નક્કર અને વિશ્વસનીય પગલાં નથી લેતું, ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય સમુદાયે તેના દાવાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ.
A country run by military, with a global reputation for terrorism has the audacity to attack the world’s largest democracy? – Bhavika Mangalanandan, Indian envoy to UN, gives beffiting reply to Pakistani PM at #UNGA 👏🏻
— Mr Sinha (@Mrsinha) September 28, 2024
ભારતનો સંદેશ સ્પષ્ટ
ભારતે અંતમાં સ્પષ્ટ કર્યું હતું કે આતંકવાદને ક્યારેય સામાન્ય બનાવી શકાય નહીં અને ન તો તેને કોઈ પણ સ્વરૂપે ન્યાયસંગત ઠરાવી શકાય.




