UNમાં અલ્પસંખ્યકોને મુદ્દે સ્વિટ્ઝર્લેન્ડને ભારતની ફટકાર

સંયુક્ત રાષ્ટ્રઃ સંયુક્ત રાષ્ટ્રમાં સ્વિટ્ઝર્લેન્ડે અલ્પસંખ્યકો સાથેના વર્તન પર ચિંતા વ્યક્ત કરી, જેના જવાબમાં ભારતે તીખી પ્રતિક્રિયા આપી હતી. સ્વિટ્ઝર્લેન્ડે ભારતને અલ્પસંખ્યકોની સુરક્ષા કરવાની સલાહ આપતાં ભારતે તેને એવો પાઠ શીખવ્યો છે કે તે હંમેશાં યાદ રાખશે. ભારતે સ્વિટ્ઝર્લેન્ડને યાદ અપાવ્યું કે તેના પોતાના દેશમાં જાતિવાદ, ભેદભાવ અને વિદેશીઓ પ્રત્યેની નફરત (ઝેનોફોબિયા) જેવી ગંભીર સમસ્યાઓ છે. એ પછી સ્વિટ્ઝર્લેન્ડ ચૂપ થઈ ગયું હતું.

આંતરિક મુદ્દાઓ પર ધ્યાન આપે સ્વિટ્ઝર્લેન્ડ

ભારતે સ્વિટ્ઝર્લેન્ડને મહાસભામાં ફટકારતાં કહ્યું હતું કે તે અન્ય દેશો પર આંગળી ઉઠાવવાને બદલે પોતાના આંતરિક મુદ્દાઓ પર ધ્યાન આપે, જે તેનાથી સંભાળી શકાતા નથી. ભારતના સ્થાયી મિશનમાં પરામર્શદાતા ક્ષિતિજ ત્યાગીએ સંયુક્ત રાષ્ટ્રમાં સ્વિસ પ્રતિનિધિના નિવેદનનો જવાબ આપતા કહ્યું હતું કે સ્વિટ્ઝર્લેન્ડે પોતાના આંતરિક પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, અન્યને સલાહ આપવાનો તેને કોઈ અધિકાર નથી.

સ્વિટ્ઝર્લેન્ડનું નિવેદન

સંયુક્ત રાષ્ટ્રમાં સ્વિસ પ્રતિનિધિએ ભારતને અલ્પસંખ્યકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમ જ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને મિડિયા સ્વતંત્રતા જાળવવાની અપીલ કરી હતી. સ્વિટ્ઝર્લેન્ડે ભારતને અસરકારક પગલાં લેવા કહ્યું હતું, જેથી દેશમાં બધા નાગરિકોને તેમની મૂળભૂત સ્વતંત્રતાઓ મળી શકે.

ભારતની આકરી પ્રતિક્રિયા

ભારતે સ્વિટ્ઝર્લેન્ડની આ સલાહ પર આકરી પ્રતિક્રિયા આપી હતી. ભારતીય પ્રતિનિધિ ક્ષિતિજ ત્યાગીએ સ્વિટ્ઝર્લેન્ડને તેના પોતાના સામાજિક મુદ્દાઓ તરફ ઈશારો કરતાં કહ્યું હતું કે ત્યાં “જાતિવાદ, ભેદભાવ અને ઝેનોફોબિયા” જેવી સમસ્યાઓ છે. સ્વિટ્ઝર્લેન્ડે પહેલાં પોતાના આંતરિક પ્રશ્નો ઉકેલવા જોઈએ. એ સાથે જ ભારતે સ્પષ્ટ કરી દીધું કે તે આવી ટીકા સ્વીકારશે નહીં, ખાસ કરીને ત્યારે જ્યારે ટીકા કરનાર પોતે ગંભીર આંતરિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો હોય.