અફઘાનિસ્તાન સામે ૧૩ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી ૩ મેચોની T20I શ્રેણી અને આ જ મહિને આયોજિત થનારા એશિયન ગેમ્સ ૨૦૨૬ પહેલાં ભારતીય ટીમને મોટો આંચકો લાગ્યો છે. ટીમના ઉભરતા ઝડપી બોલર હર્ષિત રાણા ઈજાના કારણે આ બંને મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા તેના સ્થાને વિદર્ભના ઝડપી બોલર યશ ઠાકુરને ભારતીય ટીમમાં સામેલ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
પ્રેક્ટિસ સેશન દરમિયાન રાણા થયો ઈજાગ્રસ્ત
બીસીસીઆઈના જણાવ્યા અનુસાર, હર્ષિત રાણા બેંગલુરુ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ખાતે પોતાના રિહેબિલિટેશન પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો હતો અને ઝડપથી રિકવર થઈ રહ્યો હતો. પરંતુ ૭ સપ્ટેમ્બરના રોજ યોજાયેલા મેચ સિમ્યુલેશન દરમિયાન બોલિંગ કરતી વખતે તેને ‘રેક્ટસ ફેમોરિસ સ્નાયુ’માં ગંભીર ખેંચાણ (સ્ ટ્રેન) આવી ગયું હતું. આ ઈજાના કારણે તબીબી ટીમે તેને આરામ કરવાની સલાહ આપી છે.

યશ ઠાકુર પાસે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની તક
૨૭ વર્ષીય યશ ઠાકુરે તાજેતરમાં જ ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન ભારત માટે T20I ડેબ્યૂ કર્યું હતું, જ્યાં તેણે ૨ મેચોમાં ૪ વિકેટ ઝડપી હતી. સ્થાનિક ક્રિકેટ અને આઈપીએલ (IPL)માં સતત સારો દેખાવ કરનાર યશ પાસે ૫૦ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી મેચોમાં ૭.૦૪ના ઈકોનોમી રેટથી ૮૧ વિકેટો લેવાનો બહોળો અનુભવ છે. હવે તેની પાસે આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની ક્ષમતા સાબિત કરવાનો સુવર્ણ અવસર રહેશે.
અફઘાનિસ્તાન T20I શ્રેણી અને એશિયન ગેમ્સ ૨૦૨૬ માટે ભારતની અપડેટેડ ૧૫ સભ્યોની ટીમ:
શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા (ઉપકેપ્ટન), શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યશ ઠાકુર.




