નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે કૃષિ ક્ષેત્રે સહયોગને વધુ મજબૂત કરવાના હેતુથી એક મહત્વપૂર્ણ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જે IFFCO (ઇફ્કો)ના ચેરમેન દિલીપ સંઘાણીની આગેવાની હેઠળ યોજાયો. વોશિંગ્ટન ડી.સી. સ્થિત ‘યુ.એસ.-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ’ (USIBC) દ્વારા PHDCCIના પ્રતિનિધિમંડળ માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જેનું નેતૃત્વ દિલીપ સંઘાણીએ કર્યું હતું.
બેઠક બાદ USIBCએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ સંવાદને ભારત-અમેરિકા કૃષિ ભાગીદારીને મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું ગણાવ્યું હતું. કાઉન્સિલે તેના સંદેશમાં જણાવ્યું હતું કે, દિલીપ સંઘાણીના નેતૃત્વમાં થયેલી આ ચર્ચાથી બંને દેશો વચ્ચે કૃષિ ક્ષેત્રે પરસ્પર સહયોગને નવી ગતિ મળશે. આ સંવાદથી પરસ્પર પડકારોના ઉકેલ શોધવામાં અને કૃષિ ક્ષેત્રે ઉભરતી નવી તકોનો લાભ લેવામાં મદદ મળશે.
આ ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો
ઇનોવેશન (નવીનતા) આધારિત કૃષિ નીતિઓ
ટકાઉ કૃષિ વિકાસ (Sustainable Agriculture)
વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અને પોષણ સુરક્ષા
ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ અને ઉત્પાદકતામાં વધારો
અમેરિકાની અગ્રણી વ્યાપારી સંસ્થા USIBC દ્વારા આ બેઠકને જાહેરમાં આટલું મહત્વ આપવું, તે ભારતના સહકારી આંદોલનની વૈશ્વિક સ્વીકૃતિ, ઇફ્કો (IFFCO)ની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અને વૈશ્વિક મંચ પર ભારતીય ખેડૂતોના હિતોને અસરકારક રીતે રજૂ કરવાની દિલીપ સંઘાણીની નેતૃત્વ ક્ષમતા દર્શાવે છે.
આ બેઠકમાં બંને દેશોના કૃષિ નિષ્ણાતો, નીતિ ઘડવૈયાઓ અને ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએ આધુનિક કૃષિ ટેકનોલોજી અપનાવવા, જમીનની ફળદ્રુપતા (Soil Health) સુધારવા અને ખેડૂતોને તકનીકી સહાય પૂરી પાડવા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તમામ પ્રતિનિધિઓ સહમત થયા હતા કે ભારત-યુ.એસ. વચ્ચેનો આ વિસ્તારિત સહયોગ કૃષિ ક્ષેત્રે નવા આયામો ખોલશે અને લાંબા ગાળે ખેડૂતોની આવક અને સુરક્ષા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે.






