ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર 99 ટકા કામ પૂરું: સર્જિયો ગોર

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત ટ્રેડ ડીલ ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ લે એવી શક્યતા છે. માત્ર એક ટકા મુદ્દાઓ પર જ સહમતી થવાની બાકી છે. આ વાત ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે કરી હતી. તેઓ IIT દિલ્હીમાં “US-India TRUST Initiative: Research and Innovationમાં ભાગીદારીને આગળ વધારવી” વિષય પર સંબોધન કરી રહ્યા હતા. ગોરે ભારત-અમેરિકા સંબંધોનાં વિવિધ પાસાંઓ પર ચર્ચા કરતાં જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વેપાર અને મૂડીરોકાણ, મહત્ત્વપૂર્ણ ટેક્નોલોજી, ફાર્માસ્યુટિકલ્સ તેમ જ સંશોધન અને સંશોધનનાં ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહકાર વધારવાની વિશાળ તકો છે.

તેમણે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત વચગાળાનો વેપાર કરાર લગભગ અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આ કરાર બંને દેશો માટે સમૃદ્ધિ લાવશે. ગયા અઠવાડિયે ભારતે ટ્રેડ ડીલના બાકી રહેલા અંતિમ એક ટકા મુદ્દાઓને પૂર્ણ કરવા માટે પોતાની એક ટીમ વોશિંગ્ટન ડીસી મોકલી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે આગામી સપ્તાહે અમે ચર્ચાઓ આગળ વધારવા માટે અમેરિકાના એક પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરીશું. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આગામી થોડાં સપ્તાહ અને મહિનાઓમાં ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થઈ જશે.

દ્વિપક્ષી વેપાર વધીને 220 અબજ ડોલર

તેમના જણાવ્યા મુજબ માત્ર બે દાયકામાં ભારત અને અમેરિકા વચ્ચે માલસામાન અને સેવાઓનો દ્વિપક્ષી વેપાર 20 અબજ ડોલરથી વધીને 220 અબજ ડોલરથી વધુ થઈ ગયો છે.તેમણે કહ્યું હતું કે આજે અમેરિકા ભારતના સૌથી મોટા વેપારી ભાગીદારોમાંનું એક છે અને ભારત પણ અમેરિકાના ટોચના વેપારી ભાગીદારોમાં સામેલ છે..

ભારત-અમેરિકા ભાગીદારી શ્રેષ્ઠ

ગોરે જણાવ્યું હતું કે ખાસ કરીને હાઈ-ટેકનોલોજી અને મહત્વપૂર્ણ ખનિજોના ક્ષેત્રમાં ઊભરતી તકોનો લાભ લેવા માટે ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી કરતાં વધુ સારી કોઈ ભાગીદારી નથી.