નવી દિલ્હી: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે શુક્રવારે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સમજૂતી લગભગ અંતિમ તબક્કામાં છે. તેમણે કહ્યું હતું કે બંને દેશો હવે આ સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવા માટે જરૂરી પ્રક્રિયા અને આગળની રૂપરેખા પર કામ કરી રહ્યા છે.
અહેવાલના જણાવ્યાનુસાર પીયૂષ ગોયલે ‘ઇન્ડિયા ડેટ કેપિટલ માર્કેટ સમિટ 2026’માં કહ્યું હતું કે અમેરિકા સાથે વેપાર સમજૂતી લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં છે. સમજૂતીને અંતિમ સ્વરૂપ આપવામાં અત્યાર સુધી જે પ્રક્રિયા અને માર્ગો અવરોધરૂપ બની રહ્યા હતા, તેના પર હવે કામ આગળ વધી રહ્યું છે.
ભારતીય માલ પર 25% ટેરિફનો પ્રસ્તાવ
બુધવારે અમેરિકાએ ભારતીય માલસામાન પર 25 ટકા ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવ અમેરિકાના વેપાર પ્રતિનિધિ કાર્યાલય દ્વારા ઉત્પાદન ઉદ્યોગોમાં ઉત્પાદન અને કથિત ‘માળખાકીય વધારાની ઉત્પાદન ક્ષમતા’ને લઈને કરવામાં આવેલી સેક્શન 301 તપાસ બાદ આવ્યો હતો. ભારતે અમેરિકાના આ મૂલ્યાંકનને નકારી કાઢ્યું છે. ભારતનું કહેવું છે કે તેના ઉત્પાદન ક્ષેત્રમાં માળખાકીય રીતે વધારાની ઉત્પાદન ક્ષમતા નથી.
અમેરિકા દ્વારા ભારત પર પ્રસ્તાવિત ટેરિફનો દર એશિયાના અન્ય ઘણા દેશોની સરખામણીમાં વધારે છે. ટ્રમ્પ પ્રશાસને બાંગ્લાદેશ, કંબોડિયા અને ઇન્ડોનેશિયા માટે 18 ટકા ટેરિફનો પ્રસ્તાવ મૂક્યો છે. જ્યારે વિયેતનામ સાથે વેપાર સમજૂતી થાય તો ત્યાંથી આયાત થતા માલસામાન પર 20 ટકા ટેરિફ લાગુ થવાની શક્યતા છે.
#WATCH: “The US trade deal is close to culmination” — Indian Commerce Minister Piyush Goyal
— remarks come just a couple of days after USTR made a determination on Section 301 investigation https://t.co/aveHZ4bHEV
— Dhairrya Maheshwari (@dhairyam14) November 27, 2026
ભારત-અમેરિકા વેપાર સમજૂતીથી ટેરિફ ઘટીને 17 ટકા થઈ શકે છે
અમેરિકાના વેપાર પ્રતિનિધિ કાર્યાલય (USTR)એ જણાવ્યું છે કે જો ભારત અને અમેરિકા વચ્ચે પરસ્પર વેપાર અંગે સમજૂતી થઈ જાય તો ભારતીય માલસામાન પર પ્રસ્તાવિત 25 ટકા ટેરિફ ઘટીને 17 ટકા થઈ શકે છે.




