ભારત વિ દક્ષિણ આફ્રિકાની બીજી ટેસ્ટ મેચઃ ભારત પર ક્લીન સ્વીપનું જોખમ

ગૌહાટીઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજા ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસનો ખેલ પૂરો થતાં દક્ષિણ આફ્રિકાએ પોતાની બીજી ઈનિંગ્સમાં કોઈ વિકેટ ન ગુમાવી 26 રન બનાવી લીધા હતા. ક્રીઝ પર રિયાન રિકલ્ટન (13) અને એડન માર્કરમ (12) દાવમાં છે.

આ પહેલાં ભારતે પોતાની પહેલી ઈનિંગ્સમાં 201 રન બનાવ્યા હતા અને દક્ષિણ આફ્રિકા કરતાં 288 રનથી પાછળ છે. ભારત ફોલોઓન બચાવી શક્યું નહીં. ફોલોઓનથી બચવા માટે ભારતને 290 રન બનાવવાની જરૂર હતી. મેચની વર્તમાન સ્થિતિને જોતાં ભારતની જીતની શક્યતાઓ અત્યંત ઓછી લાગી રહી છે. ભારત પહેલી ટેસ્ટ હારી ચૂક્યું છે અને જો બીજી ટેસ્ટ પણ હારે તો ટીમને 0–2થી ક્લીન સ્વીપનો સામનો કરવો પડશે.ગૌહાટી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા પર હારનું સંકટ ઘેરાયું છે. દક્ષિણ આફ્રિકાના 489 રનના જવાબમાં ભારતીય ટીમ પોતાની પહેલી ઈનિંગ્સમાં માત્ર 201 રન જ બનાવી શકી. જોકે દક્ષિણ આફ્રિકાએ ભારતને ફોલોઓન આપ્યું નથી. મહેમાન ટીમને પહેલી ઈનિંગ્સમાં 288 રનની વિશાળ લીડ મળી છે.

ભારત માટે યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 58 રન બનાવ્યા હતા, જ્યારે વોશિંગ્ટન સુંદરે 48 રનનું યોગદાન આપ્યું. બાકી તમામ બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા. દક્ષિણ આફ્રિકા માટે ઝડપી બોલર માર્કો જેન્સને સૌથી વધુ છ વિકેટ લીધી. સ્પિનર સાયમન હાર્મરને 3 અને કેશવ મહારાજને 1 વિકેટ મળી હતી.