તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે રમાયેલી 3 મેચોની વનડે સિરીઝના પ્રથમ મુકાબલામાં ભારતીય ટીમે એકતરફી અંદાજમાં 8 વિકેટે ભવ્ય વિજય નોંધાવ્યો છે. આ જીત સાથે જ ભારતે સિરીઝમાં 1-0 ની મજબૂત સરસાઈ મેળવી લીધી છે. ભારતની આ શાનદાર જીતના મુખ્ય હીરો રન મશીન વિરાટ કોહલી અને કેપ્ટન શુભમન ગિલ રહ્યા હતા, જેમણે સદી ફટકારીને વિન્ડીઝના બોલરોને બરાબરના ધોઈ નાખ્યા હતા.

કોહલી અને ગિલની તોફાની બેટિંગ, વિરાટે પૂર્ણ કર્યા 15000 રન
296 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને કેપ્ટન શુભમન ગિલ અને રોહિત શર્માએ 74 રનની આક્રમક શરૂઆત અપાવી હતી. રોહિત શર્મા 35 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 32 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ક્રિઝ પર આવેલા વિરાટ કોહલી અને કેપ્ટન ગિલે વિન્ડીઝના બોલરો પર આકરો પ્રહાર કર્યો હતો. ગિલે 13 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 110 રનની શાનદાર ઈનિંગ રમી હતી.બીજી તરફ વિરાટ કોહલીએ પોતાના જૂના અંદાજમાં બેટિંગ કરતા માત્ર 88 બોલમાં 10 ચોગ્ગા અને 9 ગગનચુંબી છગ્ગાની મદદથી અણનમ 139 રન ઝૂડી કાઢ્યા હતા. આ આક્રમક ઈનિંગ દરમિયાન કોહલીએ વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના 15000 રન પૂરા કર્યા હતા અને પોતાની વનડે કરિયરની 55 મી સદી પણ પૂર્ણ કરી હતી.

ગ્રીવ્સની સદી છતાં કુલદીપ યાદવનો કડક સપાટો
આ અગાઉ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટઇન્ડીઝની ટીમે 7 વિકેટના ભોગે 295 રન બનાવ્યા હતા. ઓપનર જોન કેમ્પબેલ (62 રન) અને જસ્ટિન ગ્રીવ્સે પ્રથમ વિકેટ માટે 135 રનની ભાગીદારી કરી હતી. ગ્રીવ્સે પોતાની વનડે કરિયરની પ્રથમ સદી ફટકારતા 108 બોલમાં 12 ચોગ્ગા સાથે 101 રન બનાવ્યા હતા.જોકે, ચાઇનામેન બોલર કુલદીપ યાદવે ઉત્કૃષ્ટ બોલિંગ કરતા વિન્ડીઝના મિડલ ઓર્ડરને ધ્વસ્ત કરી નાખ્યો હતો. કુલદીપે 36 મી ઓવરમાં સતત બે બોલ પર જસ્ટિન ગ્રીવ્સ અને જ્વેલ એન્ડ્ર્યુ (0 રન) ને આઉટ કર્યા હતા. વેસ્ટઇન્ડીઝ તરફથી આખરમાં આમિર જંગુએ 43 બોલમાં અણનમ 58 રન બનાવીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી. ભારત તરફથી કુલદીપ યાદવે 4 વિકેટ, પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 વિકેટ અને નીતીશ કુમાર રેડ્ડીએ 1 વિકેટ ઝડપી હતી.






