25 થી 31 ઓગસ્ટ દેશભરમાં મુશળધાર વરસાદની આગાહી

જો તમે આ વીકેન્ડ કે આગામી દિવસોમાં પ્રવાસનું આયોજન કરી રહ્યા હોવ, તો ઘરની બહાર નીકળતા પહેલા હવામાન વિભાગની આગાહી ખાસ જાણી લેવી જરૂરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 25 થી 31 ઓગસ્ટ દરમિયાન દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને પહાડી અને પૂર્વોત્તર વિસ્તારોમાં વરસાદની સાથે લેન્ડસ્લાઇડ (ભૂસ્ખલન) અને અચાનક પૂર (ફ્લેશ ફ્લડ)નું જોખમ રહેલું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 25 અને 26 ઓગસ્ટ દરમિયાન મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પૂર્વ રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ મેઘમહેર જોવા મળશે. પહાડી તેમજ પૂર્વોત્તર રાજ્યોમાં પ્રવાસ કરનારાઓ માટે હવામાન વિભાગે વિશેષ સાવચેતી રાખવા સલાહ આપી છે. ઉત્તરાખંડમાં 25 થી 31 ઓગસ્ટ સુધી સતત વરસાદી વાતાવરણ રહેશે, જેમાં 29 થી 31 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, અસમ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં પણ મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ અને પશ્ચિમ ભારતના દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે કોંકણ, ગોવા, કેરળ અને કર્ણાટકમાં 31 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે. કેટલાક વિસ્તારોમાં કલાકના 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

IMD એ મધ્ય પ્રદેશ, પૂર્વ ઉત્તર પ્રદેશ, નાગાલેન્ડ અને મણિપુરમાં અચાનક પૂર આવવાની ચેતવણી આપી છે. મુશળધાર વરસાદને કારણે વિઝિબિલિટી ઘટવી, રસ્તાઓ પર પાણી ભરાવા તેમજ ટ્રાફિક અને રેલ વ્યવહાર ખોરવાવાની આશંકા છે. આથી, પ્રવાસીઓને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અને જોખમી પ્રવાસ ટાળવા અપીલ કરવામાં આવી છે.