ટેરિફ મુદ્દે ભારત ક્યારેય સમજૂતી નહીં કરેઃ PM મોદી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય ઉત્પાદનો પર ભારે વધારાના ટેરિફ લગાવ્યાના એક દિવસ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આકરો પ્રતિસાદ આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે ભારત પોતાના ખેડૂતો, પશુપાલકો અને માછીમારોનાં હિતોથી ક્યારેય સમજૂતી નહીં કરે. વડા પ્રધાન મોદીનુ આ નિવેદન વોશિંગ્ટનને સીધો સંદેશ માનવામાં આવી રહ્યો છે, ખાસ કરીને જ્યારે રશિયન તેલના આયાતને લઈ ભારત અને અમેરિકા વચ્ચે વેપારી ટેન્શન વધ્યું છે.

Trump hits India with extra 25% tariff for Russia oil purchases. (File Photo: IANS)

PM મોદીએ કહ્યું હતું કે ભારત પોતાના ખેડૂતો, પશુપાલકો અને માછીમારોનાં હિતોથી ક્યારેય સમજૂતી નહીં કરે. મારે આ માટે ભારે કિંમત ચૂકવવી પડશે, એ હું વ્યક્તિગત રીતે જાણું છું, પરંતુ હું તેને માટે તૈયાર છું. ભારત પોતાના ખેડૂતોની સાથે મજબૂતીથી ઊભું છે અને હું તેમના કલ્યાણ માટે જે પણ પડકારો આવશે તેનો સામનો કરવા માટે તૈયાર છું. PM મોદીએ આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યું હોવા છતાં ગ્રામ્ય સમુદાયને બચાવવા માટે પોતાની સરકારના સંકલ્પને દોહરાવ્યો હતો.દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમને સંબોધિત કરતાં PM મોદીએ જણાવ્યું હતું કે મારે ખેડૂતોના હિતોની રક્ષા માટે કિંમત ચૂકવવી પડશે અને હું તે માટે તૈયાર છું. ભારત પોતાના ખેડૂતોની સાથે મજબૂતીથી ઊભું છે અને હું તેમના કલ્યાણ માટે જે કરવું પડે તે કરવા તૈયાર છું.

વિદેશ મંત્રાલય આપી ચૂક્યું છે આકરો પ્રતિસાદ

PM મોદીની આ ટિપ્પણી આવી છે, એના એક દિવસ પહેલાં જ ભારતે અમેરિકાને કડક જવાબ આપ્યો હતો. બુધવારે જેમ જ ડોનાલ્ડ ટ્રમ્પે વધારાના 25 ટકા ટેરિફના આદેશ પર હસ્તાક્ષર કર્યા, તેમ જ ભારતીય વિદેશ મંત્રાલયે આ નિર્ણયની ટીકા કરી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ સંબંધિત નિર્ણય અન્યાયી, અયોગ્ય અને તર્કવિહીન છે.