ભારત હવે રશિયાથી તેલ નહીં ખરીદેઃ ટ્રમ્પનો દાવો

વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને આશ્વાસન આપ્યું છે કે ભારત હવે રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરશે. ભારત પર ટેરિફ લગાવ્યા પછીના કેટલાક મહિનાઓ બાદ ટ્રમ્પે આ વાત કરી હતી.

ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે મને આશ્વાસન આપ્યું છે કે રશિયાથી હવે કોઈ તેલ ખરીદાશે નહીં. હા, તમે જાણો છો કે આ તરત થઈ શકતું નથી. આ એક નાની પ્રક્રિયા છે, પરંતુ તે પ્રક્રિયા જલદી પૂર્ણ થઈ જશે.

તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મારા મિત્ર છે. અમારી વચ્ચે ખૂબ સારા સંબંધો છે. મને ખુશી નહોતી, કેમ કે ભારત રશિયાથી તેલ ખરીદી રહ્યું હતું, પરંતુ આજે તેમણે મને આશ્વાસન આપ્યું છે કે તેઓ રશિયાથી તેલ નહીં ખરીદે. આ એક મોટો પગલું છે. હવે અમારે ચીન પાસેથી પણ એ જ કરાવવું પડશે.

ટ્રમ્પે આ ટિપ્પણી ઓવલ ઓફિસમાં FBI ડિરેક્ટર કાશ પટેલ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં કરી હતી.ટ્રમ્પે યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને ‘બિનજરૂરી’ ગણાવતાં કહ્યું હતું કે આ એવું યુદ્ધ છે જે ક્યારેય શરૂ જ ન થવું જોઈએ હતું, પરંતુ એ એવું યુદ્ધ હતું જે રશિયાને પહેલેલા અઠવાડિયામાં જ જીતી લેવું જોઈએ હતું અને હવે તેઓ ચોથા વર્ષે પ્રવેશી રહ્યા છે.

રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે હું ઈચ્છું છું કે રશિયા-યુક્રેન યુદ્ધ બંધ થાય.